Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૫૬
૨૧૩ આશ્રય તો સ્થિર દ્રવ્ય જ હોઈ શકે. શરીર તો અસ્થિર છે, એટલે તેને આવા જ્ઞાનનો આશ્રય માની શકાય નહીં. વળી, શરીરના ગુણો કાં તો અપ્રત્યક્ષ (ગુરુત્વ વગેરે) હોય છે અથવા તો ઇન્દ્રિયગ્રાહ્ય (રૂપ વગેરે) હોય છે, પરંતુ જ્ઞાન ગુણ નથી અપ્રત્યક્ષ (કારણ કે તે સ્વસંવેદ્ય છે) કે નથી ઇન્દ્રિયગ્રાહ્ય (કારણ કે તે મનોરાહ્ય છે); માટે જ્ઞાન ગુણ શરીરનો નહીં પણ બીજા કોઈ દ્રવ્યનો છે. એ અન્ય દ્રવ્ય તે આત્મા છે.
જ્ઞાન ગુણ જો પંચભૂતમય દેહનો જ ધર્મ હોય તો તે ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થવો જોઈએ. સત્ત્વ અને કઠિનત્યાદિ પૃથ્વી વગેરે ભૂતના ધર્મ જેમ દેહમાં દેખાય છે, તેમ જ્ઞાન પણ જો પૃથ્વી વગેરે ભૂતનો ધર્મ હોય તો પૃથ્વી વગેરે તથા તેની વિકારભૂત દરેક વસ્તુમાં દેખાવું જોઈએ. પૃથ્વી, જળ વગેરે ભૂતના કઠિનતા, શીતળતા વગેરે જે ગુણો છે તે તો ઇન્દ્રિયગ્રાહ્ય હોય છે, પણ જ્ઞાન તો ઇન્દ્રિયગ્રાહ્ય નથી; તેથી જ્ઞાન ગુણ એ પંચભૂતમય દેહનો ધર્મ સંભવે નહીં. ઘડાની જેમ દેહ મૂર્ત છે અને ચાક્ષુષ છે,
જ્યારે જ્ઞાન ગુણ અમૂર્ત છે અને અચાક્ષુષ છે. ગુણને અનુરૂપ ગુણી (દ્રવ્ય) વિના ગુણ રહેતા નથી, માટે જ્ઞાન ગુણને અનુરૂપ એવા દેહથી ભિન્ન અમૂર્ત અને અચાક્ષુષ આત્માને ગુણી માનવો જોઈએ.
આ પ્રમાણે અનેક યુક્તિઓ દ્વારા એ સિદ્ધ થાય છે કે દેહ તે આત્મા નથી, દેહમાં જ્ઞાન ગુણ નથી, જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. દેહ જડપુદ્ગલાત્મક છે, આત્મા ચૈતન્યયુક્ત છે. આત્મા દેહથી ભિન્ન જ્ઞાયકસ્વભાવી છે. આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ‘સમાધિતંત્રમાં આત્મસ્વરૂપની ઓળખ આપતાં જણાવે છે કે જેવી રીતે જાડું વસ્ત્ર પહેરવાથી બુદ્ધિમાન પુરુષ પોતાના શરીરને જાડો-પુષ્ટ માનતો નથી. તેવી રીતે પોતાનું શરીર જાડું-પુષ્ટ થવા છતાં, અંતરાત્મા આત્માને જાડો-પુષ્ટ માનતા નથી. ગોરાપણું, સ્થૂળપણું, કુશપણું વગેરે અવસ્થાઓ શરીરની છે પુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ ન માનવો, અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ ન માનવું. તેને શરીરથી ભિન, રૂપાદિથી રહિત, કેવળ જ્ઞાનરૂપ શરીરવાળો સમજવો અને તે સ્વરૂપે જ ચિત્તમાં નિરંતર તેનું ધ્યાન કરવું. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૩૨
'यदीयं भूतधर्मः स्यात् प्रत्येकं तेषु सर्वदा ।
उपलभ्येत सत्त्वादिकठिनत्वादयो यथा ।।' ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, ‘સમાધિતંત્ર', શ્લોક ૬૩,૭૦
'घने वस्त्रे यथाऽऽत्मानं न घनं मन्यते तथा । घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः ।। गौरः स्थूलः कृशो वाऽहमित्यङ्गेनाविशेषयन् । आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org