Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૦
૨૮૧
સમુદાય થવાથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે.૧
ચાર્વાકમત અનુસાર પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ભૂતચતુષ્ટયના વિશિષ્ટ રાસાયણિક મિશ્રણથી આત્માની ઉત્પત્તિ થાય છે. મનુષ્યાદિ જીવો ચેતન છે એ વાતની તેઓ ના નથી પાડતા, પણ ચૈતન્ય છે માટે કોઈ ભૂતાતિરિક્ત પદાર્થ હોવો જોઈએ એમ તેઓ માનતા નથી. તેઓ માને છે કે જડ તત્ત્વોનું સંમિશ્રણ પણ જો એક વિશેષ રીતે થાય તો તેમાં ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. ભૂતોમાં ચૈતન્ય ન હોવા છતાં તેના સંયોગથી ચૈતન્યનો આવિર્ભાવ થાય છે. જેમ અચેતન ગોમય(ગોબર)થી કીડાની ઉત્પત્તિ થઈ જાય છે, અરણી (લાકડી)ને મથવાથી અગ્નિની ઉત્પત્તિ થઈ જાય છે; તે જ પ્રકારે પૃથ્વી આદિ ભૂતોથી પણ એક વિલક્ષણ ચૈતન્યશક્તિની ઉત્પત્તિ થઈ જાય છે; આચાર્યશ્રી નરેન્દ્રસેનજી (સિદ્ધાંતસારસંહ'માં ચાર્વાક દર્શનનું મંતવ્ય રજૂ કરતાં લખે છે કે કોઈ એમ કહે છે કે પૃથ્વી, હવા, પાણી આદિ ભૂતો અચેતન હોવાથી ચેતનરૂપ જીવની ઉત્પત્તિ માટે ઉપાદાન નથી થતાં'; આ વિધાન મિથ્યા છે, કારણ કે ગોમયાદિ પદાર્થોથી કીડા આદિ જીવ ઉત્પન્ન થતાં દેખાય છે, તેથી ભૂતોથી ચેતન પદાર્થ ઉત્પન્ન નથી થતો એવું કહેવું મિથ્યા છે, અર્થાત્ ભૂતોથી ચાલવાના, બોલવાના, લખવાના આદિ અનેક સ્વભાવોનો ધારક ચેતન પદાર્થ ઉત્પન્ન થાય છે એમ જ માનવું જોઈએ; માટે જીવ નામનો ચેતન પદાર્થ ભૂતોથી અલગ નથી.
આ પ્રકારે ચાર્વાક દર્શન એમ સિદ્ધ કરે છે કે આત્મા ભૂતોથી પૃથક્ પદાર્થ નથી. ચાર્વાક દર્શનની દૃઢ માન્યતા છે કે સમગ્ર પદાર્થો ચાર ભૂતોથી જ નિર્મિત છે અને ચાર ભૂતોના સંઘાતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. જેમ પાન, ચૂનો, સોપારી આદિમાં લાલ રંગનો અભાવ છે, પણ તેને જ્યારે એકસાથે ચાવવામાં આવે છે ત્યારે લાલ રંગની ઉત્પત્તિ થાય છે; તેમ ચાર ભૂતોમાં ચૈતન્યનો અભાવ છે, પણ તેનું યોગ્ય રીતે સંમિશ્રણ થાય છે ત્યારે તેમાં ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. આત્મા ચાર ભૂતોના સંયોગથી ઊપજે છે અને તેના વિઘટનથી તે પાછો ભૂતોમાં જ લય પામી જાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૫૦,૧૬૫૧
'वसुधातिभूतसमुदयसंभूता चेतण त्ति ते संका । पत्तेयमदिट्ठा वि हु मज्जंगमदो ब समुदाये ।। जध मज्जंगेसु मदो वीसुमदिट्टो वि समुदये होतुं ।
कालंतरे विणस्सति तध भूतगणम्मि चेतण्णं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી નરેન્દ્રસેનજીકૃત, ‘સિદ્ધાંતસારસંગહ', અધ્યાય ૪, શ્લોક ૩૩
'अचेतनानि भूतानि नोपादानानि चेतने । मिथ्येति गोमयादिभ्यो वृश्चिकाद्युपदर्शनात् ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org