Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૪
૩૨૭ જણાતો નથી કે જેનાથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. કોઈ પણ સંયોગ આત્માની ઉત્પત્તિ કરે એમ ભાસતું નથી. ગમે તેટલા જુદા જુદા પદાર્થોને ગમે તેટલી જુદી જુદી રીતે ભેગા કરવામાં આવે, પણ તેનાથી આત્મા ઉત્પન્ન થઈ શકતો નથી. સંયોગથી ગાડી, બંગલા આદિ પૌગલિક પદાર્થો બની શકે છે, પણ કદી ક્યાંય આત્મા ઊપજી શકતો નથી.
આત્મા અસંયોગી પદાર્થ છે, જ્યારે ઘડો આદિ સંયોગી પદાર્થ છે. જેવી રીતે ઘડો માટી, પાણી આદિના સંયોગ વડે નીપજે છે, તેવી રીતે આ જગતના સર્વ દૃશ્ય પદાર્થો સંયોગના કારણે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આત્મા અસંયોગી છે, અનુત્પન્ન છે. કોઈ પણ વસ્તુના મિશ્રણથી તે બની શકતો નથી. આત્મા ત્રણે કાળમાં કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન થઈ શકતો નથી.
પુદ્ગલપરમાણુમાં રહેલા સ્પર્શ ગુણની સ્નિગ્ધતા અને રુક્ષતાની ન્યૂનાધિક માત્રાથી ઊપજતા પૌદ્ગલિક પદાર્થોમાંથી એવો કોઈ સંયોગ સંભવતો નથી કે જે સંયોગથી આત્માની ઉત્પત્તિ થઈ શકે. સ્પર્ધાદિ ગુણોવાળા પૌગલિક પદાર્થોમાંથી અસ્પર્શાદિ ગુણોથી યુક્ત આત્મા નીપજી શકે નહીં. સ્પર્ધાદિ ગુણોવાળા અનેક પદાર્થો ભેગા થતાં અનેક સ્પર્ધાદિ ગુણવાળા પદાર્થો નીપજી શકે, પણ તેનાથી અસ્પર્શ તત્ત્વ ઉત્પન્ન થાય નહીં. સંસારમાં જે જે પદાર્થો ચક્ષુ ગ્રાહ્ય છે અથવા અન્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે, તે તે સર્વ સ્પર્ધાદિ ગુણોથી યુક્ત એવા પૌગલિક પદાર્થો છે, તેથી તેમાંથી સર્વથા વિલક્ષણ સ્વભાવવાળું આત્મતત્ત્વ ઉત્પન્ન થઈ શકે નહીં. શ્રી કાનજીસ્વામી કહે છે –
પરમાણુમાં સ્પર્ધાદિ રૂપી ગુણ છે. ચીકાશ, લુખાશ, વર્ણ, ગંધ, રસ હોય છે; તે પદાર્થો ભેગા થતાં અસ્પર્શપણું નીપજી શકે નહિ. સ્પર્ધાદિ ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય પણ તેનાથી અસ્પર્શ અરૂપી તત્ત્વ કેમ ઊપજે? માટે સંયોગભાવરૂપ ચેતન નથી. ... પરમાણુનો સ્વભાવ જે સ્પર્શાદિ છે તે રૂપ જીવ થઈ શકતો નથી; માટે અસ્પર્શે એવો આત્મા તે સંયોગના ભાવરૂપ સ્પર્શને પામતો નથી.”
ત્રણે કાળમાં કોઈ પણ પદાર્થના મિશ્રણથી આત્માનું નિર્માણ થઈ શકે જ નહીં. જો પદાર્થોના મિશ્રણથી આત્માની ઉત્પત્તિ માનવામાં આવે તો તે કયા પદાર્થો છે કે જેના મિશ્રણથી આત્મા ઊપજે છે? જો પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણથી આત્મા ઉત્પન્ન થયેલો માનવામાં આવે તો આત્મામાં પણ પૃથ્વી આદિના ગુણધર્મો આવવા જોઈએ; અને તેથી આત્મા પણ રૂપી હોવો જોઈએ, સાકાર હોવો જોઈએ. રૂપી, સાકાર દ્રવ્યો તો પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે અને તે ઇન્દ્રિયોના વિષય પણ બને છે; તો આત્મા પણ તે દ્રવ્યોની જેમ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થવો જોઈએ, ઇન્દ્રિયોનો વિષય બનવો જોઈએ. ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org