Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જેમ ગોળ, ધાવડીનાં ફૂલ, પાણી વગેરેના સંમિશ્રણને સડાવવા, ગળાવવાથી મદ્યશક્તિયુક્ત મદિરા ઉત્પન્ન થાય છે, તેમ ચાર ભૂતોના સંયોગથી ચેતના ઉત્પન્ન થાય છે. ગોળ આદિમાં માદકશક્તિ અવિદ્યમાન હોવા છતાં તે જ્યારે મદિરામાં પરિણત થાય છે ત્યારે તેમાં માદકશક્તિ પેદા થઈ જાય છે, તે જ પ્રકારે પૃથ્વી આદિ ભૂતોના સંયોગથી ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. જ્યાં સુધી એ યોગ્ય સંયોગ થયો હોતો નથી, ત્યાં સુધીની પ્રત્યેક અવસ્થાવાળા પૃથ્વી વગેરે ભૂતોમાં ચેતના ઉત્પન્ન થતી ન હોવાથી તેમાં ચૈતન્યતા જોવા મળતી નથી; પરંતુ મદિરાનાં અંગોના સમુદાયની જેમ ચાર ભૂતોનો સમુદાય થતાં ચેતના ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ચાર્વાકની આ માન્યતાને ગૂંથતાં ‘અધ્યાત્મસાર'માં કહે છે કે જેમ મદ્યનાં અંગોમાંના પ્રત્યેક અંગમાં મદ્યની સ્પષ્ટતા થતી નથી, પણ સર્વ અંગો મળવાથી મદ્ય સ્પષ્ટ થાય છે; તેમ મહાભૂતો એકત્ર મળવાથી ચૈતન્યની સ્પષ્ટતા માનેલી છે. જેમાંથી મદિરા બને છે તે ગોળ, પાણી વગેરે વસ્તુઓને જુદી જુદી ખાવામાં આવે તો નશો ઉત્પન્ન થતો નથી, પણ તે બધાં ભેગાં કરીને ગ્રહણ કરવામાં આવે તો અવશ્ય મદ ઉત્પન્ન થઈ જાય છે; તે જ રીતે પૃથ્વી આદિ ભૂતોમાંથી કોઈ પણ એકમાં ‘હું સુખી' ઇત્યાદિ જ્ઞાન ન હોવા છતાં તે ચારેનું ઉચિત મિલન થતાં, તેનો પિંડ બનતાં હું સુખી' વગેરે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તેથી ભૂતોના સમૂહમાં જ ચૈતન્ય છે. ચાર ભૂતોનો પિંડ એ જ આત્મા છે. એનાથી અતિરિક્ત આત્મા સિદ્ધ થતો નથી.'
આ પ્રમાણે જેમ ગોળ વગેરેમાં માદકતા નથી, પણ તે પદાર્થોનો સંયોગ થતાં તેમાં માદકતાનો સંચાર થાય છે, તેવી જ રીતે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર જડ તત્ત્વોમાંથી જ ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. આ માન્યતાનો ઉલ્લેખ આચાર્યશ્રી જિનભદ્રજીકૃત ‘વિશેષાવશ્યકભાષ્ય' ના ગણધરવાદ નામના પ્રકરણમાં, શ્રી મહાવીર પ્રભુના ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમની શંકારૂપે પણ જોવા મળે છે. શ્રી વાયુભૂતિ એવું માનતા હતા કે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર ભૂતોના સમુદાયથી ચેતના ઉત્પન્ન થાય છે, તેથી ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે. મદ્ય જેમાંથી બને છે તે ધાવડીનાં ફૂલ, ગોળ, પાણી વગેરેમાં મદ્યશક્તિ જણાતી નથી, પરંતુ તેનું યોગ્ય મિશ્રણ કરવાથી જેમ તેમાં માદકશક્તિ ઉત્પન્ન થાય છે; તેમ પૃથ્વી આદિ ભૂતોમાં ચૈતન્યશક્તિ દેખાતી નથી, પરંતુ જ્યારે તેનો યોગ્ય સમુદાય થાય છે ત્યારે તેમાં ચૈતન્ય પ્રત્યક્ષ જણાય છે. જેમ મદ્ય બનાવવામાં વપરાતા પદાર્થોમાં મદ્યશક્તિ નહીં દેખાવા છતાં તેના મિશ્રણમાં મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય દેખાતું ન હોવા છતાં તેનો ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૬૯
'मद्यांगेभ्यो मदव्यक्तिः प्रत्येकमसती यथा । मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org