Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે કે “દેહ માત્ર સંયોગ છે'. દેહ તો માત્ર વિશિષ્ટ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓનો સંયોગ છે. આત્માની સાથે એકક્ષેત્રાવ ગામે રહેતો પુદ્ગલપરમાણુઓનો પિંડ તે દેહ છે. તત્ત્વદષ્ટિએ જોતાં દેહ કોઈ એક દ્રવ્ય નથી, પરંતુ અનંતાં પરમાણુઓના સંયોગવાળી એક અવસ્થામાત્ર છે, જેની ઉત્પત્તિ અને લય કારણવિશેષથી થાય છે.
જડ પુદ્ગલ દ્રવ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને, અવિભાજ્ય એવા મૂળ દ્રવ્યને પરમાણુ કહે છે. પ્રત્યેક યુગલપરમાણુમાં કોઈ પણ એક વર્ણ, કોઈ પણ એક રસ, કોઈ પણ એક ગંધ અને બે સ્પર્શ (સ્નિગ્ધ-શીત, સ્નિગ્ધ-ઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ-ઉષ્ણ એ ચાર વિકલ્પોમાંથી ગમે તે એક વિકલ્પના બે સ્પર્શી હોય છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંયોગ કરે છે. સ્કંધ બનવામાં પરમાણુમાં રહેલાં વર્ણ, ગંધ કે રસનો કોઈ ઉપયોગ નથી, તેમજ શીત કે ઉષ્ણ સ્પર્શનો પણ કોઈ ઉપયોગ નથી; કિંતુ તેમાં જે સ્નિગ્ધ કે રૂક્ષ સ્પર્શ છે તેનો જ ઉપયોગ છે. પરમાણુમાં રહેલાં સ્નિગ્ધ કે રુક્ષ સ્પર્શના કારણે એક પરમાણુ બીજા પરમાણુ સાથે સ્કંધજનક સંયોગ કરે છે.
સ્કંધ એટલે પરસ્પર જોડાયેલાં બે કે તેનાથી વધુ પરમાણુઓનો જથ્થો. ક્યું પરમાણુ યા પરમાણુ સાથે સંયોગ કરી શકે તેની અમુક શરતો છે, તે જોઈએ. (૧) એવાં બે પરમાણુ કે જેમાં સ્નિગ્ધતા ગુણ છે, તે બે પરમાણુઓ સજાતીય સ્પર્શવાળાં હોવાથી તેની સ્નિગ્ધતા વચ્ચે ઓછામાં ઓછું બે ગુણનું અંતર હોય તો જ તે બે પરમાણુનો સંયોગ થઈને એક સ્કંધ બની શકે. જો એક પરમાણુમાં બે ગુણ સ્નિગ્ધતા હોય તો બીજા પરમાણુમાં ઓછામાં ઓછી ચાર ગુણ સ્નિગ્ધતા હોવી જોઈએ. (૨) બીજાં એવાં બે પરમાણુ કે જેમાં બન્નેમાં રુક્ષતા છે, તે બે પરમાણુઓ પણ સજાતીય સ્પર્શવાળાં હોવાથી તેની રુક્ષતાના ગુણ વચ્ચે ઓછામાં ઓછું બેનું અંતર રહેવું જોઈએ. જો એક પરમાણુમાં બે ગુણ રુક્ષતા હોય તો તેની સાથે સંયોગ થવા માટે બીજા પરમાણુમાં ઓછામાં ઓછી ચાર ગુણ રુક્ષતા હોવી જોઈએ.
ટૂંકમાં સજાતીય ગુણવાળા પરમાણુનો સંયોગ ત્યારે જ થાય જ્યારે તેના ગુણમાં ઓછામાં ઓછું બેનું અંતર હોવું જોઈએ. હવે વિજાતીય સ્પર્શવાળાં બે પરમાણુના સંયોગમાં શું શરતો છે તે જોઈએ. (૩) એક પરમાણુમાં સ્નિગ્ધતા અને બીજા પરમાણુમાં રુક્ષતા હોય એવાં બે પરમાણુનો સંયોગ અવશ્ય થાય, ભલે તે બન્નેના ગુણોની સંખ્યા સમાન હોય કે વિષમ. બે ગુણ સ્નિગ્ધતા અને બે ગુણ રુક્ષતાવાળાં બે પરમાણુનો પણ સ્કંધ બને અને એક ગુણ સ્નિગ્ધતા અને બે, ત્રણ કે તેથી વધુ ગુણ રુક્ષતાવાળાં બે પરમાણુનો પણ સ્કંધ બને. (૪) આ શરતોમાં એક અપવાદ છે કે એક ગુણ સ્નિગ્ધતા અને એક ગુણ રુક્ષતાવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org