Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વ્યર્થ છે. દેહ તો જડ છે, જ્ઞાનગુણરહિત છે. તે તો પોતાને પણ નથી જાણતો. જડ પુદ્ગલપરમાણુઓનો બનેલો દેહ જો પોતાને જ નથી જાણતો તો તે બીજાને તો કેવી રીતે જાણી શકે? તે પોતે પોતાનાં ઉત્પત્તિ-લય પણ જાણતો નથી તો તે આત્માનાં ઉત્પત્તિ-લય કઈ રીતે જાણી શકે? ‘મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે' એમ તે કઈ રીતે જાણી શકે?' અને “મારા નાશ સાથે આ ચેતન પણ નાશ પામશે' એમ પણ જડ એવો દેહ કઈ રીતે જાણી શકે? જાણનારો પદાર્થ તો માત્ર આત્મા જ છે. જડ દેહ ક્યારે પણ જાણનાર થઈ શકતો નથી. આમ, દેહ ચેતનનાં ઉત્પત્તિ-લય જાણતો નથી, કારણ કે તે પ્રત્યક્ષ અચેતન પદાર્થ છે અને તેને જાણનારો એવો ચૈતન્ય પદાર્થ તેનાથી ભિન્ન છે. દેહના જડપણાને જાણનારી તેનાથી ભિન્ન એવી જ્ઞાયક આત્મસત્તા છે, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ દેહને વશ છે' એ પ્રથમ વિકલ્પનું નિરસન થાય છે. (૨) આત્માનાં ઉત્પત્તિ-લય અંગેની સંભવિત શક્યતાઓમાંથી પ્રથમ વિકલ્પ ઊડી જતાં જો બીજા વિકલ્પને અનુસરીને એમ કહેવામાં આવે કે એકમાત્ર આત્મા જ જ્ઞાયકતત્ત્વ હોવાથી આત્માનાં ઉત્પત્તિ-લયનો અનુભવ આત્માને પોતાને જ થાય છે, તો તે પણ અસંભવિત છે. જો કદાપિ એમ કહેવામાં આવે કે “જાણવાના સ્વભાવવાળા એવા ચેતને પોતાનાં ઉત્પત્તિ-લય જાણ્યાં', તો આ વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણી શકે છે તે વાત તો બોલતાં જ અસ્વીકાર્ય બને છે. જો ચેતનને જ તેનાં ઉત્પત્તિ-લયના જાણનાર તરીકે દર્શાવવામાં આવે તો તે વચન જ ચેતનની નિત્યતા સ્થાપિત કરે છે, માટે ચેતન પોતાનાં ઉત્પત્તિ-લયને જાણનારો હોવાથી ચેતન નિત્ય નથી એમ કહેવું તે અપસિદ્ધાંતરૂપ ઠરે છે, અર્થાત્ સ્થાપવા ઇચ્છેલા સિદ્ધાંતને જ ઉત્થાપનારું અપવચન બની જાય છે. જેમ કે મારા મોઢામાં જીભ નથી' એ વચનનો ઉચ્ચાર થતાં જ તે વચન સ્વયં જ પોતાની વાતનું ખંડન કરે છે. મારા મોઢામાં જીભ નથી' એવું વચન બોલતાં જ જીભ છે એમ સિદ્ધ થઈ જાય છે, કારણ કે જીભ વિના બોલી શકાય નહીં; તેમ “ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી' એમ કહેતાં જ ચેતનની નિત્યતા સિદ્ધ થઈ જાય છે. તે વચન તો કેવળ અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર જ કરે છે, માટે આ વિકલ્પ પણ અયથાર્થ છે. આત્માએ પોતાનાં ઉત્પત્તિ-લય જાણ્યાં એમ કહેવું યુક્તિયુક્ત ઠરતું નથી. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લયનો અનુભવ ચેતનને વશ છે' એ બીજા વિકલ્પનું પણ નિરસન થાય છે.
આના ઉપરથી સિદ્ધ થાય છે કે આત્માનાં ઉત્પત્તિ-લય કોઈ જાણી શકતું નથી. આત્માનાં ઉત્પત્તિ-લયનો કોઈને અનુભવ થતો નથી. એ કેવળ કલ્પના છે. આત્માનાં ઉત્પત્તિ-લયનો કોઈને અનુભવ થઈ શકતો નથી, એટલે દેહયોગથી આત્મા ઊપજે છે અને દેહવિયોગે તે નાશ પામે છે એ વાત જ નિરાધાર થઈ જાય છે. ચેતનનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org