Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
માનવામાં ન આવે અને કેવળ પંચ ભૂતના સંયોગમાત્રથી જ બોલવા-ચાલવા વગેરેનો વ્યવહાર સ્વીકારવામાં આવે તો આ દેહ સતત બોલ બોલ જ કરે. યંત્રનાં પૈડાંની જેમ તે ચાલ ચાલ જ કરે. કયા સમયે શું બોલવું, કયા સમયે બોલતાં બંધ થવું, ક્યારે ચાલવું, ક્યારે અટકવું વગેરે વ્યવસ્થિત વ્યવહારને માટે તે પંચ ભૂતોની શક્તિ ઉપર સચેતન નિયંતાની જરૂર છે. જડ દેહ ઉપર ચૈતન્યશક્તિવાળા આત્માનો કાબૂ છે, માટે જ તે દેહ વ્યવસ્થિત કામ કરે છે.
આમ, શ્રી કેશી સ્વામીએ પ્રદેશી રાજાને સમજાવ્યું કે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટેના તેના પ્રયત્નો યોગ્ય ન હતા એટલે તેને આત્માની પ્રતીતિ ન થઈ. જે પ્રયોગો અને દલીલોના આધારે તેણે આત્મા નથી એમ નિર્ણય કર્યો હતો, તેમાં તેની ભૂલ રહી ગઈ હતી. આત્માનું અસ્તિત્વ અવશ્ય છે અને તે દેહથી ભિન્ન છે.
શ્રી કેશી સ્વામીની યુક્તિયુક્ત દલીલો દ્વારા પ્રદેશી રાજાની મિથ્યા માન્યતા દૂર થઈ અને તેને સમ્યક્ નિર્ણય થયો. શ્રી કેશી સ્વામીના ઉપદેશથી પ્રદેશી રાજાને દઢ વિશ્વાસ થઈ ગયો કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલાં પુણ્ય-પાપનો બદલો અવશ્ય ભોગવે છે. શ્રી કેશી સ્વામીથી પ્રતિબોધ પામી પ્રદેશી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો, સમ્યક્ત્વમૂલ શ્રાવકનાં બાર વત ગ્રહણ કર્યા અને તેનું વિધિપૂર્વક આરાધન કરવા લાગ્યો. તેનો ઝુકાવ આત્મા તરફ થતાં તે ભોગોથી વિમુખ થઈ ગયો. તેણે પોતાની રાજલક્ષ્મીનો ચોથો ભાગ દાન માટે અલગ રાખ્યો અને છઠના પારણે છઠ શરૂ કર્યા. શ્રી કેશી સ્વામી ત્યાંથી વિહાર કરી ગયા. રાણી સૂર્યકાંતાને પોતાના સ્વામી પ્રદેશી રાજાની ધર્મચુસ્તતા, સંસારના ભોગવિલાસથી વિરક્તતા ન ગમી. ‘મારે હવે તે (પ્રદેશી રાજા) નિરુપયોગી છે એમ જાણી તેણે તેરમાં છઠનું પારણું કરાવતી વખતે રાજાને વિષ આપ્યું. રાજાને વિષ ખવરાવ્યાની ખબર પડી છતાં તેણે સમભાવ રાખ્યો. તેણે અંત સુધી સમાધિ બરાબર ટકાવી રાખી અને સમાધિભાવમાં મૃત્યુ પામી, દેવલોકમાં સૂર્યાભ નામે દેવ થયો. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઊપજશે, સંયમ લઈ મોક્ષે પધારશે.
આત્માના અસ્તિત્વની ખોજ અંગે શ્રી કેશી સ્વામી અને પ્રદેશી રાજાની ચર્ચા પ્રસિદ્ધ છે. એ જ પ્રમાણે અહીં ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં શિષ્ય શ્રીગુરુને આત્માના અસ્તિત્વ સંબંધી પ્રશ્નો પૂછે છે અને શ્રીગુરુ તે પ્રશ્નોનું સમાધાન આપે છે. તેની ઊંડી વિચારણા કરવાથી શિષ્યને આત્માના હોવાપણાની ખાતરી થાય છે. શિષ્ય તેની દલીલો રજૂ કરતાં કહે છે કે – ૧) આત્મા દેખાતો નથી, તેનું કોઈ રૂપ જણાતું નથી અથવા તે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી, તેથી આત્મા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org