Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વિશેષાર્થ
આમ, જગતમાં ય હોય તો જ્ઞાતા પણ હોય જ, માટે ઘટ-પટ આદિ જ્ઞયની જેમ જ્ઞાતા એવો આત્મા પણ છે જ એમ દર્શાવી શ્રીગુરુ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આત્મા એ એક અમૂર્ત પદાર્થ હોવાથી તે ઇન્દ્રિયગમ્ય નથી, પરંતુ તે એક ચેતન પદાર્થ હોવાથી તેના જ્ઞાયક ગુણ દ્વારા તે પ્રગટ અનુભવમાં આવે છે.
તે આત્માના અસ્તિત્વ સંબંધી શંકાની દલીલમાં શિષ્ય એવો તર્ક રજૂ કર્યો
-1 હતો કે ઘટ-પટાદિ તમામ પદાર્થોનું જ્ઞાન થાય છે, કારણ કે તે પદાર્થોનું અસ્તિત્વ છે. ઘટ-પટાદિ પદાર્થો છે, માટે તે જણાય છે; તેમ આત્મા પણ જો પ્રગટ અસ્તિત્વરૂપ પદાર્થ હોય તો તે જણાયા વિના રહે નહીં. જો આત્મા હોય તો જેમ ઘટપટાદિ પદાર્થો જણાય છે તેમ તે જણાવો જોઈએ, પરંતુ તેવી રીતે તે જણાતો ન હોવાથી આત્માનું હોવાપણું નથી. ઘટ-પટાદિની જેમ આત્મા જણાય તો જ આત્માના હોવાપણાનો સ્વીકાર કરી શકાય.
આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષ નથી, તેથી તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયનો વિષય બનતો નથી. તે ચક્ષુ વગેરેથી જાણી શકાય એવો પદાર્થ નથી. આત્મા જોઈ શકાતો ન હોવાથી શિષ્યને આત્મા નથી એમ લાગે છે. તેને વિશ્વમાં આત્મા જેવી કોઈ વસ્તુ જણાતી નથી અને તેથી તે આત્માને માનતો નથી. તેને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવા આત્માના અસ્તિત્વ વિષે શંકા છે અને તેથી એ બાબત વિષે તે શ્રીગુરુને પ્રશ્ન કરે છે. દુનિયામાં કોઈ પણ વસ્તુને તો જ માની શકાય જો તે ઘટ-પટાદિની જેમ જણાતી હોય - પોતાની આ વિચારણા તે શ્રીગુરુ સમક્ષ દર્શાવે છે અને પોતાના વિચારમાં જો કોઈ અસંગતિ હોય તો તે બતાવવા શ્રીગુરુને વિનંતી કરે છે.
શિષ્ય માત્ર રૂપી પદાર્થોનું જ અસ્તિત્વ સ્વીકારે છે, કારણ કે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે જાણી શકાય છે. જે જે પદાર્થો ઇન્દ્રિયો વડે જાણી શકાતા નથી તે પદાર્થોનું અસ્તિત્વ નથી એવી તેની માન્યતા છે. પરંતુ ઇન્દ્રિયગમ્ય નથી માટે તે વસ્તુનું અસ્તિત્વ નથી એ કોઈ ઉચિત યુક્તિ કે પ્રબળ તર્ક નથી. જે ઇન્દ્રિયગમ્ય ન હોય તે ન જ હોય એવું નથી. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય તો જ તે વસ્તુનું અસ્તિત્વ હોય એવો કોઈ નિયમ નથી. ઘણી વસ્તુઓનું અસ્તિત્વ છે, છતાં એક અથવા બીજા કારણસર પ્રત્યક્ષ થતી નથી. એવાં ઘણાં કારણો છે જેને લીધે વસ્તુ હોવા છતાં પણ જણાતી નથી.
પ્રાચીન સમયથી શાસ્ત્રકારો બતાવતા આવ્યા છે તે પ્રમાણે કોઈ પણ વસ્તુની અનુપલબ્ધિ બે પ્રકારે માનવામાં આવી છે. એક તો એ કે જે વસ્તુ આકાશકુસુમ કે ખરશંગની જેમ સર્વથા અસતું હોય, તે વસ્તુ કદી ઉપલબ્ધ થતી નથી અને બીજો પ્રકાર એ કે વસ્તુ વિદ્યમાન હોય છતાં નીચેનાં કારણોને લીધે તેની અનુપલબ્ધિ હોય છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org