Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯૩
અત્યંત સરળ યુક્તિ દ્વારા સમજાવતાં શ્રીગુરુ શિષ્યને કહે છે કે ‘ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થો પ્રત્યક્ષ નજર સામે દેખાય છે, તેથી તે પદાર્થો છે એમ તું માને છે; પરંતુ તે પદાર્થો જાણનાર વિના કેવી રીતે જાણી શકાય? તું ઘડો, વસ્ત્ર આદિને જાણે છે તેથી તેનું અસ્તિત્વ છે એમ તું માને છે; પરંતુ ઘડો, વસ્ત્ર આદિ તો જ્ઞાનના વિષય છે શેય છે, તેથી તેને જાણવાવાળું કોઈ ને કોઈ તત્ત્વ અવશ્ય હોવું જોઈએ. ઘડો, વસ્ત્ર આદિને જાણવાવાળો કોઈ જ્ઞાતા અવશ્ય હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે. જો તું ઘટ-પટ આદિ જ્ઞેયોનું અસ્તિત્વ સ્વીકારે તો તેના જ્ઞાતાનો પણ સ્વીકાર કરવો જ પડે; અને આ જ્ઞાતા તે જ આત્મા છે. ઘટ-પટ આદિનું જ્ઞાન કરનાર આત્મા જ છે અને તેથી આત્મા ઇન્દ્રિયો વડે જાણી ન શકાતો હોવા છતાં તેનું અસ્તિત્વ તો છે જ. અહીં કોઈ કહે કે ઉક્ત યુક્તિથી ઘટ-પટનો કોઈ જ્ઞાતા છે માત્ર એટલું જ સિદ્ધ થાય છે, પણ તે આત્મા છે એ તો સિદ્ધ થતું નથી. એ જ્ઞાતા તે આત્મા જ છે એ કયા આધારે કહી શકાય? દેહને જ જ્ઞાતા માનવામાં આવે તો શું વાંધો? દેહથી જ જ્ઞાન થાય છે, તેથી જ્ઞાન થવા માટે આત્માની જરૂર નથી. જ્ઞાન થવા માટે આત્માની કોઈ આવશ્યકતા છે નહીં.
ગાથા-૫૫
આનું સમાધાન એ છે કે જો દેહ જ જાણનાર હોય તો મૃત વ્યક્તિને શરીર તો છે, તો તેને કેમ જ્ઞાન થતું નથી? જીવંત શરીર અને મૃતક શરીરમાં ફરક કેમ છે? એ ફરક આત્માની હાજરીનો છે. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ત્યાં સુધી જ જ્ઞાન થઈ શકે છે. આત્મા ચાલ્યો જાય પછી જ્ઞાન થતું નથી. આત્મા ન હોય તો કોઈ જ પદાર્થ ક્યારે પણ ન જણાય, તેથી જ્ઞાન આત્માને આધીન છે. જ્ઞાન ગુણનો આધાર આત્મા છે. જ્ઞાન એ શરીરનો ગુણ નથી. તેને શરીરનો ધર્મ માનવો અયોગ્ય છે, કેમ કે શરીર તો જડ છે.
શરીર એ પણ ઘટ, પટ, ધન વગેરેની જેમ જડ જ્ઞેય છે. શરીર પણ ઘટ, પટ, ધન વગેરેની જેમ જ્ઞાન કરવા સમર્થ નથી. તેનામાં તો પોતાના પરિણમન સંબંધી જાણકારીનો પણ અભાવ વર્તે છે. તો પ્રશ્ન થાય કે શરીરાદિનું જ્ઞાન કરનાર કોણ છે? શરીરાદિનું જ્ઞાન કરનાર એકમાત્ર આત્મા જ છે. જ્ઞાનાદિ ગુણનો આશ્રય કોઈ જડ વસ્તુ નથી. તે આશ્રયભૂત તત્ત્વ માત્ર ચેતન આત્મા છે. જડ વસ્તુ જુદી છે અને ચેતન આત્મા જુદો છે. શરીરાદિ જડ પદાર્થો જ્ઞાતા બની શકતા નથી. શરીરાદિ જડ પદાર્થોથી જુદો જે આત્મપદાર્થ છે તેને જ જ્ઞાન થાય છે. આત્મા જ જ્ઞાતા છે.
આમ, કોઈ પણ જડ વસ્તુ જાણી શકતી નથી. એકમાત્ર આત્મા જ જાણી શકે છે. આત્મા ન હોય તો કશું જણાય નહીં. કોઈ પણ વસ્તુને જાણવા માટે પ્રથમ તો આત્મા હોવો જોઈએ. પ્રથમ આત્મા હોય તો જ બીજું જણાય. આત્માનો આ ‘ઊર્ધ્વતા'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org