Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પ૫
૧૯૧ પણ છે અને જાણનાર પણ છે, પરંતુ આવાં કારણોસર વસ્તુનું પ્રત્યક્ષ થતું નથી. જો એવો દાવો કરવામાં આવે કે આંખે ન દેખાય તેનું અસ્તિત્વ છે જ નહીં, તો તો જીવનમાં સેંકડો વસ્તુઓ ન માનવાની આપત્તિ આવે. ઉપર્યુક્ત દર્શાવેલા પ્રકારોમાં આત્મા ૨૧માં પ્રકારમાં આવે છે. તે સ્વભાવથી વિપ્રકૃષ્ટ છે, અર્થાત્ આકાશની જેમ અમૂર્ત છે, તેથી તેની ઉપલબ્ધિ થતી નથી. વર્ણ, ગંધ, સ્પર્શ, રસ, શબ્દ એ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ વર્ણાદિરહિત હોવાના કારણે આત્માની ઉપલબ્ધિ ઇન્દ્રિયો દ્વારા થતી નથી.
શરીર દેખાય છે, કારણ કે તે પુગલદ્રવ્યનું બનેલું છે. વર્ણાદિ પુદ્ગલના ગુણો છે, તેથી તે ગુણો શરીરમાં હોય છે. કોઈ પણ શરીર જોવામાં આવે તો તેને વર્ણાદિ ગુણો અવશ્ય હોય છે. એમ કહેવાય છે કે આ કાળો છે, ‘આ ગોરો છે', “આ રંગબેરંગી છે'. તે જ પ્રમાણે કોઈના શરીરમાંથી સુગંધ પ્રસરે છે, તો કોઈના શરીરમાંથી દુર્ગધ પણ પ્રસરે છે. તે જ પ્રમાણે સ્પર્શ આદિ પણ ભિન્ન ભિન્ન જણાય છે. પુદ્ગલના વર્ણાદિ ધર્મો શરીરમાં સ્પષ્ટ જણાય છે, જ્યારે આત્મા પુદ્ગલમય નથી, માટે જ તેમાં સ્પર્ધાદિ ધર્મો નથી. આત્માનું સ્વરૂપ અરૂપ, અરસ, અગંધ, અસ્પર્શ, અશબ્દ છે અને તેથી તે ઇન્દ્રિયગમ્ય નથી.
આ સમસ્ત ચરાચર જગતમાં ઘણી વસ્તુઓ દશ્ય છે, રૂપી છે, જે આંખે જોઈ શકાય છે. કેટલીક વસ્તુઓ બીજી ઇન્દ્રિયોની મદદથી અનુભવી શકાય છે. જેમ શબ્દ વિદ્યમાન હોય તોપણ તે આંખે નથી દેખાતો, પરંતુ કાન વડે તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. પરંતુ આત્મા તો શબ્દ જેવો પણ નથી, એટલે આંખ કે આંખ સિવાયની બીજી કોઈ પણ ઇન્દ્રિયથી અમૂર્ત એવો આત્મા પ્રત્યક્ષ થઈ જ શકતો નથી. આત્મા સસ્વરૂપી - અસ્તિત્વ ધરાવતો પદાર્થ તો છે; પણ તે અરૂપી છે, અમૂર્ત છે; એટલે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ થઈ જ શકતો નથી. આત્મપદાર્થનું અસ્તિત્વ હોવા છતાં તે રૂપાદિથી વિહીન હોવાના કારણે ઇન્દ્રિયગોચર થતો નથી.
આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, છતાં તેના ગુણો દ્વારા તેનું જ્ઞાન થઈ શકે છે. આત્મા ભલે આંખથી પ્રત્યક્ષ દેખાતો ન હોય, પણ તેના ગુણો દ્વારા તેને યથાર્થપણે જાણી શકાય છે. આત્મામાં કેટલાક વિશિષ્ટ ગુણો છે, જે બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. તે ગુણો દ્વારા આત્માનો નિર્ણય થઈ શકે છે. તે ગુણો દ્વારા ગુણી એવા આત્માની ઓળખાણ થાય છે. જેમ પહેરવેશ, રીતભાત, ભાષા ઉપરથી માણસ કયા દેશનો છે એ ઓળખી શકાય છે, તેમ આત્માના ગુણો દ્વારા આત્માની ઓળખ થઈ શકે છે.
સુખ-દુઃખના સંવેદન દ્વારા આત્માની ઓળખાણ થાય છે. સુખ-દુ:ખનું સંવેદન એ આત્માના અસ્તિત્વનો પુરાવો છે. ‘હું સુખી છું', ‘હું દુઃખી છું' એવી પ્રતીતિ આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org