Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જે કંઈ પણ જોવા-જાણવામાં આવે છે તેની સાથે આત્મા એકરૂપ નથી, જોનાર-જાણનાર આત્મા જુદો છે અને જે જોવાય-જણાય છે તે જુદું છે. આત્મા સર્વ અવસ્થાઓને અલગ રહી જાણતો રહે છે, માટે શરીરથી આત્મા જુદો છે.
જાગૃતાદિ સર્વ અવસ્થાઓથી આત્મા ભિન્ન છે અને તે પ્રગટ રૂપમાં ચૈતન્યમય છે. આ બે ન્યાય દ્વારા આત્માનું અસ્તિત્વ સાબિત થાય છે. અવસ્થા નાશ થવા છતાં પણ ટકનાર, શાશ્વત રહેનાર, જ્ઞાનગુણધારક આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જાગૃતાદિ દેહની અવસ્થાઓ નાશ પામે છે, પરંતુ આત્મા નાશ પામતો નથી. તે જ્ઞાયકરૂપે સદા વિદ્યમાન છે એમ પ્રગટ જણાય છે, માટે આત્મા અને શરીર બે પૃથક્ પૃથક દ્રવ્ય છે એમ સિદ્ધ થાય છે. ‘દેહ એ જ આત્મા છે' એમ માનવું ભૂલભરેલું છે. આત્મા દેહરૂપ નથી, તે દેહાદિ સર્વ પરપદાર્થોથી ભિન્ન એવું ચૈતન્યતત્ત્વ છે.
આમ, ગાથા ૪૬માં શિષ્યમુખે રજૂ કરેલ દલીલના પૂર્વાર્ધનું શ્રીમદે શ્રીગુરુમુખે ગાથા ૫૩ દ્વારા તથા ઉત્તરાર્ધનું પ્રસ્તુત ગાથા ૫૪ દ્વારા અત્યંત સરળ અને સચોટ સમાધાન આપ્યું છે. ગાથા ૫૩માં આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણ નથી એમ નાસ્તિથી સિદ્ધિ કરી, પ્રસ્તુત ગાથામાં ચેતન લક્ષણથી લક્ષિત એવો આત્મપદાર્થ છે એમ અસ્તિથી સમજાવ્યું છે. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી છે. શ્રીમની આ અત્યંત સરળ અને સચોટ શૈલીના કારણે આબાલ-વૃદ્ધ સર્વને આત્માનું અસ્તિત્વ સુગમતાથી સમજાય છે, પ્રતીતિ થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘સર્વ અવસ્થાને વિષે, જો જો જીવ સ્વભાવ; સર્વ રીતે જુદો રહે, એવો આત્મ પ્રભાવ. છએ દ્રવ્યમાં એ છતાં, ન્યારો સદા જણાય; તીક્ષ્યબુદ્ધિ જે વિબુદ્ધની, વિચારથી સમજાય. વિચાર જે મનથી થતાં, તેનો પણ જોનાર; પ્રગટરૂપ ચૈતન્યમય, આત્મા સુખ ભંડાર. નિદ્રા સ્વપ્ન જાગૃતિ, આદિ દશા ગણાય; તેનો સાક્ષી પ્રગટ છે, એ એંધાણ સદાય.’
* * * ૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૧૩-૨૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org