Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૫૧
૧૩૩
દેખાય તેને જ માનવામાં આવે છે એવું નથી; જે વસ્તુ આંખથી દેખાતી નથી, પરંતુ જેનું કાર્ય દેખાય છે તે પણ માનવામાં આવે છે.
વિદ્યુતશક્તિથી અનેક કાર્યો થાય છે. ચાંપ દબાવી કે પંખો ચાલવા લાગે છે, બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ પંખો ચલાવનારી કે પ્રકાશ આપનારી વિદ્યુતશક્તિ આંખથી જોઈ શકાતી નથી. ગમે તેવી તીક્ષ્ણ દષ્ટિ હોય તો પણ તે વિદ્યુતશક્તિને આંખથી જોઈ શકતી નથી. ગમે તેટલું શક્તિશાળી યંત્ર આંખને લગાવવામાં આવે તોપણ વિદ્યુતશક્તિ જોઈ શકાતી નથી. માત્ર તેનાં કાર્ય ઉપરથી જાણી શકાય છે કે આ કાર્ય વિદ્યુતશક્તિથી થાય છે.
લોકો રેડિયો સાંભળે છે. રેડિયોમાં કહેવામાં આવે છે કે આ ગીત મુંબઈથી પ્રસારિત થાય છે, આ ગીત દિલ્હીથી પ્રસારિત થાય છે, આ ગીત કલકત્તાથી પ્રસારિત થાય છે; પરંતુ એ ગીત મુંબઈ, દિલ્હી કે કલકત્તાથી પ્રસારિત થતાં શું કોઈએ જોયાં? ફક્ત તેનાં કાર્યથી તેની પ્રતીતિ થાય છે.
આ બધી વાતો ઉપરથી એ નિશ્ચિત થાય છે કે જે વસ્તુ આંખથી દેખાતી નથી, પરંતુ જો તેનું કાર્ય દેખાય તો તેનું અસ્તિત્વ માન્ય કરવામાં આવે છે. હવે આત્માનું કાર્ય દેખાય છે કે નહીં તેનો વિચાર કરીએ. જ્ઞાનનો અનુભવ રોજિંદા જીવનવ્યવહારમાં થાય છે. જાણવાનું કાર્ય દરેકના અનુભવમાં આવે છે. આ જ્ઞાન તે ગુણ છે. જ્ઞાન ગુણનો આશ્રય આત્મા સિવાય બીજો કોઈ કલ્પી શકાતો નથી. શું મકાન, ટેબલ, ગાડી જાણી શકે છે? હજાર પુસ્તકો કબાટમાં હોવા છતાં પણ શું કબાટને તેનું જ્ઞાન થાય છે? ના. સર્વવિદિત જ છે કે કોઈ પણ જડ પદાર્થ કંઈ પણ જાણતો નથી, પરંતુ જાણવું તો જગતમાં સ્પષ્ટ જ છે - અનુભવગમ્ય છે. તેથી આ કાર્યના કર્તા તથા જ્ઞાન ગુણના ગુણી તરીકે એકમાત્ર આત્માને માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
જાણવું એ શરીરની ક્રિયા નથી, શરીરનો ધર્મ નથી. જો જાણવું એ શરીરનું કાર્ય હોત તો મર્યા પછી પણ શરીરનું અસ્તિત્વ હોવાથી તે કાર્ય થવું જોઈએ, પરંતુ તે થતું નથી. આના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે એ કાર્યો શરીરનાં નહીં, આત્માનાં છે. ચૈતન્ય એ શરીરનો ગુણ નથી. શરીર ચૈતન્ય ગુણનો આશ્રય નથી. શરીર ભૌતિક છે, ભૂતો ચૈતન્ય ગુણનો આશ્રય નથી. ચૈતન્ય ગુણ એ શરીરનો નહીં પણ આત્માનો ગુણ છે. ચૈતન્યનું આધારભૂત દ્રવ્ય આત્મા છે.
ચૈતન્યપૂર્ણ જીવનવ્યવહાર આત્માના અસ્તિત્વનું પ્રમાણ છે. કીડી, ગાય, ભેંસ, હાથી, ઘોડા, માછલી, સર્પ, મનુષ્ય વગેરેમાં ચૈતન્યમય જીવનવ્યવહાર છે, માટે તેમાં આત્મા છે. કાગળ, પેન્સિલ, છરી વગેરેમાં ચૈતન્યમય વ્યવહાર નથી, માટે તેમાં આત્માનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org