Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
મરણપથારીએ પડેલો અસ્વસ્થ જીવ કફ કાઢવા પ્રયત્ન કરે છે, બોલવા પ્રયત્ન કરે છે; પણ મરણ પછી દેહ શું આ ક્રિયાઓ કરી શકે છે? તે હવે થોડો પણ કફ કાઢી શકે તેમ નથી. બોલવા-ચાલવાની, આહાર-નિહારની વગેરે કોઈ પણ ક્રિયા, કોઈ પણ શારીરિક ચેષ્ટા તે કરી શકે તેમ નથી.
૧૬૨
-
જ્યારે તે જીવંત હતો ત્યારે તે કહેતો હતો કે ‘આ મારી પત્ની, આ મારા પુત્રો, આ મારાં સગાં છે'; તો પછી હવે કેમ બોલતો નથી? મરણની થોડી વાર પહેલાં તો બોલતો હતો કે “મારી પત્નીનું શું થશે? જે પુત્રોને મેં આટલો પ્રેમ કર્યો, તેમનું શું થશે? સંપત્તિનું શું થશે?' એમ કહીને તે નિઃશ્વાસ મૂકતો હતો, દુઃખી થતો હતો, આંસુ સારતો હતો; તે બધું મૃત્યુ થતાં એકાએક કેમ બંધ થઈ ગયું? શું પત્ની ઉપરથી તેનો મોહ ઓછો થઈ ગયો? શું પુત્ર ઉપરનો પ્રેમ નષ્ટ થઈ ગયો? શું ધનસંપત્તિનું આકર્ષણ ઓછું થઈ ગયું? એવું નથી અને છતાં બધાં કામ બંધ થઈ ગયાં. એનો એ જ દેહ હોવા છતાં મૃત્યુ પછી પત્નીના કલ્પાંતથી તેની આંખોમાંથી આંસુ નીકળતાં નથી, પુત્રના વિરહકલ્પાંતની કોઈ અસર દેખાતી નથી.
મરી ગયેલા મનુષ્યને કોઈ ગાળ આપે તો તે પ્રત્યુત્તર આપે છે શું? કોઈ તેનું અપમાન કરે કે મુક્કા મારે તો તે બદલો લેશે શું? કોઈ તેના વખાણ કરે તો તે આનંદિત થશે શું? પહેલાં અગ્નિનો જરા પણ સ્પર્શ થાય તો તે વેદનાથી વ્યાકુળ થતો હતો, પરંતુ તે હવે ચિતા પર સૂવા છતાં પણ ચૂં કે ચાં કરતો નથી. તેને કેમ કોઈ સંવેદન થતું નથી?
રોજ કેટલા બધા લોકો મરે છે અને નજરે દેખાય છે કે મૃત્યુ થતાં હલન, ચલન, ખાવું, પીવું, બોલવું, ગાવું વગેરે બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે. મડદામાં કોઈ ક્રિયા થતી નથી. આનું કારણ શું? આનું કારણ એ જ છે કે જે ક્રિયાઓ કરનારો હતો તે ચાલ્યો ગયો છે. તે ક્રિયાનો મૂળભૂત પ્રવર્તક દેહમાંથી નીકળી ગયો છે. આ પ્રવર્તક તે આત્મા છે. જો દેહ જ આત્મા હોય તો મૃતાવસ્થામાં પણ બધી ક્રિયાઓ થવી જોઈએ, પણ તેમ થતું ન હોવાથી એ વાત નક્કી થાય છે કે તે ક્રિયાઓનો પ્રવર્તક દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે. ક્રિયાઓના પ્રવર્તક તરીકે સ્વતંત્ર આત્માની સિદ્ધિ થાય છે, તેથી આત્મા અને દેહ એક નથી. મડદું પણ દેહ તો છે જ, પરંતુ તેમાં આત્મા નથી એટલે દેહની કોઈ ક્રિયા થતી નથી. આત્માની અનુપસ્થિતિ હોવાથી મૃતક કોઈ ક્રિયા કરતું નથી. તે ક્રિયાઓનો પ્રવર્તક એવો આત્મા ચાલ્યો ગયો હોવાથી દેહ સર્વચેષ્ટારહિત, સર્વક્રિયારહિત નિષ્ક્રિય થઈ જાય છે. દેહમાં આત્મા હોય છે ત્યાં સુધી જ બધી પ્રવૃત્તિઓ થઈ શકે છે.
ઊઠવું, બેસવું, આવવું, જવું, ઊંઘવું, જાગવું, બોલવું, ઉધરસ-છીંક ખાવી, બગાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org