Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આત્માને અણુ માનવામાં આવે તો દેહના જે અવયવમાં આત્મા હોય તે જ અવયવમાં ભોગનું સંવેદન થવું જોઈએ, સંપૂર્ણ દેહમાં ભોગનો અનુભવ ન થઈ શકે. આત્મા પૂરા દેહમાં વ્યાપ્ત નથી એમ માનવાથી તો અંગુઠામાં કાંટો વાગતાં આખા દેહમાં કંપન અને વેદનાનો જે અનુભવ થાય છે તે અસંભવ બને. અણુરૂપ આત્મા આખા દેહમાં અતિશીઘ્ર ગતિ કરે છે એમ માની એનું સમાધાન કરવું બરાબર નથી, કારણ કે અનુભવમાં ક્રમ હોતો નથી. જો આત્મા અણુરૂપ હોય તો જે સમયે તેનો ચક્ષુ સાથે સંબંધ થાય છે, તે જ સમયે ભિન્ન ક્ષેત્રવર્તી રસના આદિ ઇન્દ્રિયોની સાથે તેનો યુગપદ્ સંબંધ થઈ શકે નહીં; પરંતુ કેરીને આંખથી જોતાં જ જિહ્વા ઇન્દ્રિયમાં પાણીનું આવવું એ સિદ્ધ કરે છે કે બન્ને ઇન્દ્રિયો સાથે આત્મા યુગપદ્ સંબંધ ધરાવે છે. માથાથી પગ સુધી અણુરૂપ આત્મા ચક્કર લગાવે તેમાં કાળભેદ થવો સ્વાભાવિક છે અને તે સર્વાંગીણ રોમાંચાદિ કાર્યથી જ્ઞાત થનારી યુગપ ્ સુખાનુભૂતિની વિરુદ્ધ છે; તેથી આત્મા દેહ કરતાં સૂક્ષ્મ પરિમાણવાળો નથી, પરંતુ દેહ જેટલા જ પરિમાણવાળો છે. આત્માને અણુપરિમાણ ન માનતાં દેહપરિમાણ માનવો ઉચિત છે.
૧૧૪
ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, અદ્વૈત વેદાંત જીવાત્માને વિભુ માને છે. તેઓ આત્માને સર્વવ્યાપી, સર્વગત માને છે. તેમના મત પ્રમાણે આત્મા સ્થળ અને કાળ બન્નેની દૃષ્ટિએ અસીમ છે, તેથી તે વિભુ છે. આત્માને વ્યાપક માનવામાં ઘણા દોષો રહેલા છે. આચાર્યશ્રી મલ્લિષણસૂરિજીકૃત સ્યાદ્વાદ મંજરી'(શ્લોક ની ટીકા)માં તથા આચાર્યશ્રી જિનભદ્રજીકૃત વિશેષાવશ્યકભાષ્ય'(ગાથા ૧૫૮૫-૧૫૮૭)માં આ વિષયની ચર્ચા કરી છે અને આત્માનું દેહપરિમાણપણું અનેક પ્રમાણો દ્વારા સિદ્ધ કરી આપ્યું છે. તેમાંથી અમુક મુદ્દાઓ જોઈએ
આત્મા દેહમાં તેમજ દેહની બહાર સર્વત્ર છે એમ માનવું યુક્તિસંગત નથી, કારણ કે જે સ્થાનમાં, જે પદાર્થના ગુણો દેખાય છે; તે જ સ્થાનમાં, તે પદાર્થ પણ રહે છે. જ્યાં ગુણો રહે છે, ત્યાં જ તેનો આધારભૂત પદાર્થ પણ રહે છે. જ્યાં ગુણ ઉપલબ્ધ હોય છે, ત્યાં જ તેના આધારભૂત પદાર્થનું અસ્તિત્વ હોય છે. જે દેશમાં પ્રત્યક્ષાદિ પ્રમાણથી ગુણો અનુભવમાં આવે છે, તે જ દેશમાં પદાર્થ હોય છે, અન્ય દેશમાં હોતો નથી. ગુણના ક્ષેત્રથી ગુણીનું ક્ષેત્ર ન તો વધારે હોય છે કે ન તો ઓછું. ગુણ અને ગુણીની આકૃતિ એક જ હોય છે. ગુણ વિના દ્રવ્ય રહી શકતું નથી. ગુણગુણીના આ ન્યાય અનુસાર વિચારતાં જણાય છે કે જ્ઞાન, દર્શન આદિ આત્માના ગુણ દેહની બહાર ઉપલબ્ધ થતા નથી, તો ગુણો વિના ગુણીનો સદ્ભાવ દેહની બહાર કેવી રીતે માની શકાય?
આત્માના જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણો જ્યાં હોય છે ત્યાં જ આત્મા હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org