Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૫૦
૧૨૧
સંસારમાં તો એક સુખી અને બીજો દુ:ખી જોવા મળે છે. જીવોમાં પોતપોતાનાં અલગ અલગ સુખ, દુઃખ, ભોગ આદિની વ્યવસ્થા છે. જો જીવ એક જ હોય તો સુખ-દુઃખ આદિની વ્યવસ્થા બને નહીં; માટે જીવો અનેક માનવા જોઈએ. સુખ-દુ:ખ, જન્મ-મરણ વગેરેના સંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી આવશ્યક છે. સર્વ જીવો સુખ-દુઃખ આદિ અનુભવે છે, તે સર્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જીવો છે. પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર છે, સ્વાધીન છે, કોઈ કોઈનો અંશ નથી. દરેક દેહે આત્મા પૃથક્ પૃથફ છે, કોઈ એક સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી.
કેટલાક એમ માને છે કે અંગ તો જુદાં જુદાં છે અને જેમાં તે અંગ છે એવો અંગી એક છે. જેમ નેત્ર, હાથ, પગ આદિ અંગ જુદાં જુદાં છે, પણ જેનાં એ જુદાં જુદાં અંગો છે તે મનુષ્ય તો એક છે; તેમ સર્વ પદાર્થો અંગ છે અને જેનાં એ જુદાં જુદાં અંગ છે તેવો અંગી બહ્મ છે. જો આ સર્વ પદાર્થો વિરાટ સ્વરૂપ બહ્મનાં અંગ છે એમ માનવામાં આવે તો જેમ મનુષ્યનાં હાથ, પગ આદિ અંગોમાં પરસ્પર અંતરાલ થતાં એકપણું રહેતું નથી, તે જોડાયેલાં રહે ત્યાં સુધી જ એકદેહ નામ પામે છે; તેમ લોકમાં તો સર્વ પદાર્થોનું પરસ્પર અંતરાલ પ્રગટ દેખાય છે તો તેનું એકપણું કઈ રીતે માની શકાય? અંતરાલ હોવા છતાં પણ એકપણું માનવામાં આવે તો ભિન્નપણું ક્યાં માનવું? અહીં કોઈ એમ કહે કે સર્વ પદાર્થોની મધ્યમાં સૂક્ષ્મરૂપ બહ્મનું અંગ છે, જે વડે સર્વ પદાર્થ જોડાયેલા રહે છે. તો તે સંબંધી પ્રશ્ન થાય છે કે જે અંગ જે અંગથી જોડાયેલું છે, તે તેનાથી જ જોડાયેલું રહે છે કે તે અંગથી છૂટી, અન્ય અન્ય અંગની સાથે જોડાયા કરે છે? જો પ્રથમ પક્ષ ગ્રહણ કરવામાં આવે તો સૂર્યના ગમનની સાથે જે જે સૂક્ષ્મ અંગોથી તે જોડાયેલો છે તે પણ ગમન કરશે. વળી, તે ગમન કરતાં એ સૂક્ષ્મ અંગો જે અન્ય સ્થૂલ અંગોથી જોડાયેલાં રહે છે, તે સ્થૂલ અંગો પણ ગમન કરવા લાગે અને એમ થતાં આખો લોક અસ્થિર થઈ જાય. જેમ દેહનું કોઈ એક અંગ ખેંચાતાં આખો દેહ ખેંચાય છે, તેમ કોઈ એક પદાર્થનું ગમનાદિ થતાં સર્વ પદાર્થનું ગમનાદિ થવું જોઈએ, પણ તેમ થતું ભાસતું નથી. જો બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તો એ અંગ તૂટવાથી જ્યારે ભિન્નપણું થઈ જાય ત્યારે એકપણું કેવી રીતે રહે? તેથી સિદ્ધ થાય છે કે સર્વ પદાર્થો એક બહ્મનાં અંગ નથી.
આ પ્રમાણે વિચાર કરતાં કોઈ પણ પ્રકારે એક આત્મા સંભવતો નથી, સર્વ આત્માઓ ભિન્ન જ છે. આત્મા એક નહીં પણ અનંત છે. આત્માની સંખ્યા અપરિમિત છે. પ્રત્યેક દેહમાં અલગ અલગ આત્મા છે. જો કે જૈન દર્શન જાતિ અપેક્ષાએ આત્માને એક માને છે. વ્યક્તિ અપેક્ષાએ તો સર્વ આત્મા જુદા જુદા છે, પણ તે સર્વ જાતિ અપેક્ષાએ એક છે. જેમ ૧૦૦ ઘોડા વ્યક્તિ અપેક્ષાએ જુદા જુદા છે, પરંતુ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org