Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૯
૧૦૧
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ પુદ્ગલાત્મક દેહનાં લક્ષણો છે. જ્ઞાન સર્વ આત્મામાં વિદ્યમાન છે, જ્યારે રૂપીપણું સર્વ પુદ્ગલાત્મક દેહમાં વિદ્યમાન છે. આત્મામાં રૂપીપણું નથી અને દેહમાં જ્ઞાન નથી. આત્મા અરૂપી જ્ઞાયકતત્ત્વ છે, જ્યારે દેહ રૂપી, જડસ્વભાવી સ્કંધ છે. આત્મા અરૂપી પદાર્થ હોવાથી ઇન્દ્રિયગોચર નથી અને દેહ રૂપી પદાર્થ હોવાથી ઇન્દ્રિયગોચર છે. આ પ્રમાણે આત્મા અને દેહ બનેનાં લક્ષણ જુદાં જુદાં છે. આત્મા ક્યારે પણ દેહના લક્ષણરૂપે થતો નથી અને દેહ ક્યારે પણ આત્માના લક્ષણરૂપે થતો નથી. પોતપોતાનાં વિશિષ્ટ લક્ષણ વડે આત્મા અને દેહ ભિન્ન ભિન્ન ઓળખાય છે.
જીવને દેહાધ્યાસ થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું તેને ભાસતું નથી, પરંતુ લક્ષણની વિચારણા કરતાં જણાય છે કે આત્મા અને દેહનાં લક્ષણો એકબીજાથી જુદાં છે. જેનાં લક્ષણો ભિન્ન હોય તે એક હોઈ શકે જ નહીં. પ્રગટ લક્ષણોથી આત્મા અને દેહની ભિન્નતાનું ભાન થાય છે. લક્ષણ દ્વારા આત્મસ્વભાવનો નિર્ણય થાય છે. આત્માને જાણવાની વિધિ બતાવતાં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે કે –
આત્મા શાથી જણાય? વિચારપૂર્વક ભેદ પાડવાથી. અગ્નિ હોય તે ચીપિયાથી પકડાય તેમ આત્મા ઓળખવા તેનાં લક્ષણો વિચારે; જ્ઞાન દર્શન રૂપ તે જ આત્મા. તેને બીજા વિભાવો, ઇચ્છાઓ, સંકલ્પ વિકલ્પ આદિથી જુદો પાડે. બુદ્ધિરૂપી છીણીથી જડ ચેતનનાં લક્ષણ જુદાં જુદાં વિચારે. બધામાં જાણનાર જોનાર જુદો છે, તે આત્મા છે.”
કોઈ પણ વસ્તુનું જ્ઞાન તેના લક્ષણ દ્વારા થાય છે, તેથી દેહ અને આત્માનું યથાર્થ જ્ઞાન કરવા તેનાં લક્ષણો જાણવાં જોઈએ. જો તેમ ન કરવામાં આવે તો એકને બદલે બીજું ગ્રહણ થાય, મનાય. મીઠાના ગાંગડા અને સાકરના ગાંગડા સરખા આકારના અને સરખા રંગના હોવાથી ભૂલ થવાની સંભાવના છે, પણ તે બન્નેના સ્વાદમાં ભેદ છે. સ્વાદની પરીક્ષા કરવામાં આવે તો ભૂલ થતી નથી; તેમ દેહ પુદ્ગલપરમાણુઓના સંયોગરૂપ છે, તેથી પુદ્ગલના ગુણો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ જ્યાં જણાય ત્યાં અરૂપી, અસંયોગી એવો આત્મા ન હોય એમ પરીક્ષા કરવાથી દેહ દેહરૂપે જણાય છે; અને આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેથી જ્ઞાન જ્યાં હોય ત્યાં આત્મા મનાય છે. આ રીતે પરીક્ષા કરવાથી વિપરીત માન્યતારૂપ ભૂલ ટળે છે.
આત્મા અને દેહનાં લક્ષણોનો વિચાર કરવાથી ભૂલ ભાંગે છે. જેને દેહનો પરિચય છે પરંતુ આત્માની ઓળખાણ નથી તેને, તે બન્નેનાં લક્ષણ દ્વારા બન્નેના અલગ સ્વતંત્ર સ્વભાવનો ખ્યાલ આવે, તેમજ સ્વભાવની ભિન્નતા કાયમ રહીને પણ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ. ૩૬-૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org