Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
વિશ્વસનીય તેમજ સત્ય માનવાની વાત કરે છે. ચાર્વાકમત અનુસાર ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત પ્રત્યક્ષ જ્ઞાનને જ જ્ઞાનનો એકમાત્ર આધાર માનવો જોઈએ. ઇન્દ્રિયજ્ઞાનને જ યથાર્થ જ્ઞાન માનતા હોવાથી તે ઇન્દ્રિયગમ્ય જગતનો જ સ્વીકાર કરે છે. વસ્તુ જો ઇન્દ્રિયગમ્ય ન હોય તો તે તેને સ્વીકારતો નથી.
૭૨
ચાર્વાકમતાનુસાર જેટલો ઇન્દ્રિયગોચર છે તેટલો જ લોક છે, અર્થાત્ આ લોક સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયભૂત થતા પદાર્થો સુધી જ સીમિત છે. તેનાથી પર કોઈ અતીન્દ્રિય વસ્તુ છે જ નહીં. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક આદિ પદાર્થોનું અસ્તિત્વ છે જ નહીં, કારણ કે તે પ્રત્યક્ષ ઇન્દ્રિયગોચર નથી. આત્મા આદિ પદાર્થો ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ન હોવાથી તેનો અભાવ છે. જો કાલ્પનિક અને અપ્રત્યક્ષ પદાર્થોને માનવામાં આવે તો સસલાનાં શિંગનો તથા વંધ્યાના પુત્રનો સાવ પણ કેમ ન માનવો?
આવા ચાર્વાકમતનો શિષ્ય ઉપર પ્રભાવ પડેલો જણાય છે. શિષ્ય માટે માત્ર પ્રત્યક્ષપ્રમાણ એ જ એક પ્રમાણ છે. તે પ્રત્યક્ષપ્રમાણનો જ સ્વીકાર કરે છે અને આત્માની સિદ્ધિ પ્રત્યક્ષપ્રમાણથી થઈ શકતી ન હોવાથી તેને આત્માના હોવાપણા વિષે સંશય છે. ઇન્દ્રિયોથી આત્મા જણાતો ન હોવાથી તે આત્માના અસ્તિત્વ વિષે શંકા ધરાવે છે. ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય તે વસ્તુઓનું હોવાપણું શિષ્ય માન્ય રાખે છે અને ઇન્દ્રિય દ્વારા ન જાણી શકાય તેવા પદાર્થોના અસ્તિત્વ વિષે તે શંકા ધરાવે છે. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે
-
‘અસ્તિત્વ અને નાસ્તિત્વની ચર્ચામાં જે પદાર્થનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી તે ન જ દેખાય. તે સમજાવવા ત્યાં આકાશકુસુમની ઉપમા અપાય. જેમકે આકાશકુસુમ નથી માટે તે દેખાતું નથી. આકાશકુસુમ એટલે આકાશનું ફૂલ. ફૂલ ઝાડમાં હોય, છોડમાં હોય, લતામાં હોય પણ જ્યાં આ કંઈ ન હોય ત્યાં માત્ર આકાશમાં એકલું ફૂલ કેમ ઊગે? તે નથી એટલે તે જણાતું પણ નથી.'૧
જેમ આકાશનાં ફૂલ વાસ્તવમાં કોઈ પદાર્થ નથી, તેથી તે ઇન્દ્રિયપ્રત્યક્ષ પણ થતાં નથી; તેમ આત્મા પણ વાસ્તવિક પદાર્થ નથી, તેથી તે દેખાતો નથી. લોકમાં પ્રત્યક્ષ નથી એવા આકાશપુષ્પ જેમ વિદ્યમાન નથી, તેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ ન જણાતા એવા આત્માનું પણ અસ્તિત્વ નથી. અમૂર્ત પદાર્થનું અસ્તિત્વ છે એનું શું પ્રમાણ છે? એવી શંકાકારની શંકા રજૂ કરતાં પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં કહે કે અમૂર્ત પદાર્થ પણ હોય છે એનું કોઈ પ્રમાણ છે? કેમ કે જેટલા પદાર્થો છે તે બધાનો ઇન્દ્રિયોની સાથે સંબંધ હોય છે. અમૂર્ત પદાર્થોનો ઇન્દ્રિયોની સાથે સંબંધ હોતો નથી, ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org