Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૮
જીવનના પરમ લક્ષ્યની વાત કરતાં ચાર્વાક દર્શન કહે છે કે કામ એ જ સર્વ કાંઈ છે. ઇચ્છાઓની પૂર્તિ થાય તો માણસને સુખ મળે છે અને ન થાય તો તેને દુઃખ થાય છે, તેથી ચાર્વાકમતમાં કામોપભોગ દ્વારા સુખની પ્રાપ્તિની વાતને પ્રાધાન્ય આપેલ છે. તેના મત પ્રમાણે જીવે ઇચ્છાની પૂર્તિ દ્વારા સુખ પ્રાપ્ત કરવા માટે પ્રવર્તવું જોઈએ. મનુષ્ય પોતાની કામનાઓ સિદ્ધ કરવા અર્થોપાર્જન કરવું જોઈએ અને વધુમાં વધુ સુખ પ્રાપ્ત કરવા પુરુષાથ થવું જોઈએ. ચાર્વાકમત અનુસાર ઇન્દ્રિયજન્ય સુખ જ ઇચ્છનીય છે. તે અતીન્દ્રિય આત્મિક સુખને સ્વીકારતું નથી.
આ રીતે ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને મોક્ષનું ખંડન કરી ચાર્વાક દર્શન માત્ર અર્થ અને કામનો જ સ્વીકાર કરે છે. તેના મત પ્રમાણે ચાર પુરુષાર્થોમાં અર્થ અને કામ એ જ બે સત્ય પુરુષાર્થ છે. જીવનનું ચરમ લક્ષ્ય છે ઐહિક સુખની પ્રાપ્તિ. જીવનના આ લક્ષ્યને નક્કી કરી, તે પ્રમાણે આચરણ કરવામાં જ જીવનની સફળતા છે. વિવિધ પ્રકારના કાયક્લેશ આદિ દ્વારા ધર્મના, મોક્ષના ચક્કરમાં પડ્યા રહેવું એ જીવનને નષ્ટ કરવા સમાન છે. મનુષ્યમાત્ર ભૌતિકતાના માર્ગે ચાલવું યોગ્ય છે.
ચાર્વાકમતવાદીઓ માને છે કે મોક્ષ વગેરેની કલ્પનાઓ ધૂર્ત માણસોએ ચલાવેલી છે. ઈશ્વર, ધર્મ આદિની વાતો કરવી એ તો ધૂર્ત માણસોનું કામ છે. તેઓ આત્મા, પરલોકની વાતો કરીને તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોનાં ચિત્તને ભોગાદિથી ભ્રષ્ટ કરે છે. ધૂર્ત માણસ આત્માનો, શુભાશુભ કર્મ વડે થનારા સ્વર્ગ-નરક આદિ જન્માંતરનો તથા દાન-શીલ-તપ વગેરે વિચિત્ર પ્રકારની ક્રિયાઓનો ઉપદેશ આપીને, માણસને અનુકૂળ એવા રસ, રૂપ વગેરે ભોગથી ઉત્પન્ન થતાં સુખોથી લોકોને અત્યંત ભ્રષ્ટ કરે છે. ધૂર્ત માણસો લોકોને શાસ્ત્રોની દેશના આપીને તેમને પ્રાપ્ત સુખોનો ઉપભોગ લેવા દેતા નથી.
ચાર્વાકમતવાદીઓ “આ ભવ મીઠા, પરભવ કોણે દીઠા?' એવું માનીને ભોગવિલાસમાં લીન રહે છે. તેઓ કહે છે કે આત્મા દેખાતો નથી, માટે તેનું હોવાપણું નથી. આત્માનું અવિદ્યમાનપણું સિદ્ધ થતાં જ આ લોકમાં વ્યક્તિએ જે પણ સારાંનરસાં કાર્યો કર્યા હોય તે પ્રમાણે તેનાં ફળ ભોગવવાં તેણે પરલોકમાં જવું પડે એ વાત ઊડી જાય છે, કેમ કે સારાં-નરસાં કાર્યો કરનાર તે વ્યક્તિ તો નાશ પામી ગઈ, તો હવે તેણે કરેલાં કાર્યોનું ફળ કોણે ભોગવવાનું? તે વ્યક્તિ જ ન રહી હોય તો સારાં-નરસાં કાર્યોનું ફળ કોણ ભોગવે? બીજા જન્મમાં જવાવાળો કોઈ આત્મા છે જ નહીં તો સારાં-નરસાં કાર્યોના ફળનો ભોક્તા કોણ થાય? બીજો જન્મ ન હોવાથી તે ભોક્તા થતો નથી. માણસ મરી જાય છે પછી તે હયાત જ નથી, તેથી તેને સ્વર્ગમાં કે નરકમાં સુખ કે દુઃખ ભોગવવાનો સવાલ જ નથી રહેતો. મૃત્યુ પછી તેનું અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org