________________
ધારણાઓની ઉપેક્ષા કરતાં શીખવું. સ્વીકાર એટલે ગમે તેવું અણગમતું બને તો પણ અકળાવું નહિ, આઘાત ન અનુભવવો કે મનમાં ઓછું ન લાવવું.
સ્વીકારમાં નિરાશાવાદ નથી, પણ ધીરજ અને સહનશીલતાની કસોટી છે. સ્વીકાર એ ભય કે ભાગેડુ વૃત્તિ-પલાયનવાદ નથી, પણ આપણી ખમી ખાવાની તથા જતું કરવાની ક્ષમતાની પરીક્ષા છે. સ્વીકારમાં કાયરતા નહિ, ઉદારતા હોય છે. અસ્વીકાર ઉગ જન્માવે, સ્વીકાર પ્રસન્નતાને ટકાવે. | સ્વીકારનાં સૂત્રો કંઈક આવાં હોય : ૧. જે થાય તે સારા માટે. ૨. કુદરતને જેમ મંજૂર હોય તેમ જ બને છે. ૩. શ્રીજ્ઞાની ભગવંતોએ દીઠા ભાવો જ બને છે. ૪. “જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.' ૫. યોગ્યતાથી અધિક કોઈને મળતું નથી, સમય પાક્યા પહેલાં કશું મળતું નથી; ભાગ્યથી અધિક કાંઈ મળતું કે બનતું નથી. ૬. હાથમાંથી લઈ જાય, ભાગ્યમાંથી કોઈ નહિ લઈ શકે. ૭. કર્મ, કાળ અને કુદરત જે સ્થિતિમાં મૂકે તેમાં આનંદ માનવો તેનું નામ જ જિંદગી, તેમાં ઉદ્વેગ થાય તે મૃત્યુ.
કેટલાં હૃદયસ્પર્શી અને અર્થસભર છે આ સૂત્રો! એક એક સૂત્ર પર એક એક પત્ર કે પ્રવચન કરી શકાય. આ સૂત્રોને ખૂબ ખૂબ વાગોળવાનાં છે, તેના અર્થમાં ઊંડા ઊતરવાનું છે. તો જ “સ્વીકાર'નો મહિમા સમજાશે.
ન ગમતું કે અણધાર્યું બને તો “જે થાય તે સારા માટે. કોઈ આપણું કે પોતાનું અહિત થાય તેવું વર્તે તો, જો તેને તેમ કરતાં રોકી શકાય તેમ ન હોય તો, તેના કલ્યાણની પ્રાર્થના સાચા હૃદયથી કરવી, અને તેની કરણી કે કાર્યવાહીનાં જે પણ માઠાં ફળ આવે તે સ્વસ્થ અને શાંત ભાવે સહન કરવા જેટલી ત્રેવડ કેળવવી, પરંતુ તેનું ખરાબ થાય તેવું કશું જ ન કરવું.
જૈન મુનિઓ વર્તમાન જોગ અથવા ક્ષેત્રસ્પર્શના' જેવા શબ્દો પ્રયોજે છે, ત્યારે તેમાં આ જ - સ્વીકારનો જ ભાવ પડઘાતો હોય છે, તે પણ આ દિશામાં ચિંતન કરવાથી હવે સમજી શકાશે. સ્વીકાર એટલે ઉદ્ધગનો ઈન્કાર - એ આપણું જીવનસૂત્ર હો!
(ફાગણ-૨૦૬૩).
ધર્મચિન્તન