________________
૧૭
ભાવનગરમાં મા.ગુ.૭ (સં.૨૦૫૬) તા. ૧૫-૧૨-૯૯ના દિને સમ્યગુ જ્ઞાનની એક ભવ્ય, પ્રાચીન સંસ્થાનો શ્રીજૈન ધર્મ પ્રસારક સભાનો પુનરુદ્ધાર થયો છે, તેના ઉદ્ઘાટન-સમારોહ-નિમિત્તે જઈ રહ્યા છીએ.
આ સભાની સ્થાપના ૧૨૦ વર્ષ પહેલાં થઈ. પૂજ્યપાદ પરમગુરૂદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી મ. તથા પૂ.પં.શ્રીગંભીરવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલી આ સભા, જૈન ગ્રંથોના પ્રકાશનના તથા સાહિત્ય સેવાના ક્ષેત્રે ભારતની પ્રથમ પંક્તિની નામાંકિત સંસ્થા હતી. સેંકડો ગ્રંથોના પ્રકાશન-પ્રસારણ દ્વારા સભાએ બજાવેલી સાહિત્ય-સેવા દેશ-વિદેશમાં આજે પણ પંકાયેલી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સંસ્થા જીર્ણ થઈ હતી. તેની પ્રવૃત્તિઓ ઠપ્પ બની હતી. તેનો ગ્રંથભંડાર નષ્ટ થયો હતો. સં.૨૦૫૩ના ભાવનગરના ચોમાસા વખતે તેના જીર્ણોદ્ધાર તથા પુનરૂત્થાન માટે મહેનત કરી, તેના ફળરૂપે સંસ્થા નવેસરથી તૈયાર થઈ શકી છે. તેનું હવે ઉદ્ઘાટન થનાર છે. આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કર્યાનો તથા આગળ વધાર્યાનો આનંદ છે, તો અમારા મહાન પૂજ્ય પુરુષોના ઐતિહાસિક કાર્યને આગળ ધપાવવાની દિશામાં એક સરસ પ્રયાસ કર્યાનો પણ હૈયે પરિતોષ છે. નવું સર્જન તો બધા કરી શકે છે, પૂર્વ પુરુષોના સર્જનને ટકાવવાં, આગળ વધારવાં, તે પણ એક ઉપયોગી અને આવશ્યક કર્તવ્ય છે, તેવી દષ્ટિ રહી છે.
(માગશર-૨૦૧૬)
ધાર્મિક