________________
૨૯ ધરતીકંપથી થયેલા ભયાનક વિનાશ પછીની સ્થિતિનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજાય તેમ છે કે આજનો દેશ - કાળ અત્યંત વસમો અને કપરો છે. ક્યારે, ક્યાંથી - કઈ બાજુએથી, કેવી રીતનો ખોફ આવી પડશે તેની કલ્પના તો ન જ થઈ શકે, પરંતુ તેની દહેશતથી માનવજાત પળે પળે ફફડી રહી છે. આવી વ્યાકુળતા, આવી દહેશત, છેલ્લા થોડાક દાયકાઓમાં કદાચ ક્યારેય નથી અનુભવાઈ.
એમ લાગે કે પ્રવર્તમાન સમય અસલામતીનો સમય છે. નાણાંની અસલામતી, ધંધાની અસલામતી, તબિયતની અસલામતી, નોકરીની અસલામતી, ઘરની અને કુટુંબની પણ અસલામતી અને છેલ્લે પોતાના જીવનની પણ અસલામતી. અનેકવિધ અસલામતીઓની જાળમાં માણસ સપડાયો છે આજે. માણસ જીવે છે ખરો, અને વળી એ હસતો રમતો જીવે છે એમ પણ એના બાહરી દેખાવ પરથી લાગે છે. પરંતુ એની ભીતરી વાસ્તવિક્તા કાંઈક જુદી જ છે. એના અંતરમાં તો સતત “મારું શું થશે?, હવે શું થશે?, બગડશે તો નહીં ને?, મને કોઈ વાતે નુકસાન તો નહિ થાય ને?' - આ પ્રકારની વ્યગ્રતા અને આશંકા જ ઘૂંટાયા કરે છે.
આપણે કબૂલીએ યા નહિ, પરંતુ આવી આશંકા થવાની પાછળ, આપણાં આંતર-મનમાં ધરબાઈ પડેલી, “બધું જ ક્ષણિક છે, નાશવંત છે, કશાયનો ભરોસો રખાય જ નહિ એવી સમજ જ કામ કરે છે, તે નક્કી છે.
બધું જ અને બધાં જ ક્ષણભંગુર - નાશવંત છે એ તો હકીકત છે. એનો ઈન્કાર કોઈનાથીયે થઈ શકે તેમ નથી. સવાલ એક જ કે આ હકીકતનો સ્વીકાર કેટલા કરી શકે છે?
ધર્મ ગમ્યો ન હોય, સમજાયો ન હોય, અને મોહના કીચડમાં જ જેનું મન ખૂંપેલું રહેતું હોય તો તે મનુષ્ય આ હકીકતનો સ્વીકાર તો નહિ જ કરે, બલ્ક નુકસાની કે મુસીબતનો સંજોગ આવી પડે તો રોકકળ મચાવી દેશે.
એથી ઊલટું, વિવેકશીલ અને ધર્મરુચિવાળા મનુષ્યને આવા સંયોગ આવી પડે તો વૈરાગ્યનો અને સંસારની અસારતાનો જ બોધ થવાનો. એવા આત્માને કપરા વખતમાં પણ જરાય વિહ્વળતા નહિ થાય, પણ એની સમજણ અને સમતાનો વિકાસ જ થશે.
ગમે તેવા ધરતીકંપ, યુદ્ધ, દુષ્કાળ, હુલ્લડો, ઉઠમણાં, અને માંદગી કે મોત - આવા સમજદાર ને સમભાવી જીવને વિચલિત ન કરી શકે એ નક્કી છે. આપણે પણ આવા થવાનો પ્રયાસ કરીશું?
(ચત્ર-૨૦૧૭)