________________
૧૦
ચાતુર્માસ એટલે આરાધનાની મોસમ. આરાધનાના બે પરિણામ : વિરાધનાથી બચાવે, આરાધકભાવ વિકસાવે. વરસાદની ઋતુ આવે એટલે પ્રારંભમાં ત્રસ જીવોની ખૂબ વિરાધના થાય. પછીથી સ્થાવર જીવોની ભારે વિરાધના થાય. પાણી - અપકાયની અને તેના આધારે સતત અને વ્યાપક ધોરણે પાંગરતી લીલ-ફૂલ વગેરે રૂપ નિગોદની વિરાધના લગભગ નિરંતર અને ખાસ્સી થાય જ.
આ કારણે જ જ્ઞાનીઓએ મુનિઓને આ ઋતુમાં વિહાર કરવાનો નિષેધ ફરમાવ્યો છે. શ્રાવક પણ, જો ખરા સ્વરૂપમાં શ્રાવક હોય તો, ચોમાસામાં ધંધાર્થે, ફરવા માટે કે યાત્રા વગેરે ધર્મકાર્યને માટે પણ બહાર ન નીકળે. પરમાહત રાજા કુમારપાળ આવા વ્રતધારી ક્ષત્રિય શ્રાવક હતા, અને ચોમાસામાં, ગમે તેવાં જરૂરી કારણ આવી પડે તો પણ, રાજમહેલની તથા નગરની બહાર નીકળતા ન હતા. તેમને વિરાધનાનાં માઠાં પરિણામોનો ખ્યાલ હતો, અને શ્રાવક ધર્મ પામ્યા પછી વિરાધનાથી બચવાનું લક્ષ્ય તેમના હૈયે વસી ગયું હતું.
આજે તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયા પછી અને ચાલુ હોય તો પણ વિહારો ચાલુ રહે છે. ગૃહસ્થવર્ગને તો વળી ચાતુર્માસમાં પણ પર્યટન અને તીર્થયાત્રા વિના ચાલતું નથી. સાચું કહો તો વિરાધનાનો અને પાપના ભયનો તથા પાપનાં પરિણામોનો ખ્યાલ જ હવે ભૂંસાઈ ચાલ્યો છે.
ચોમાસું શરૂ થાય એટલે શત્રુંજય આદિ પર્વતીય તીર્થોની યાત્રાની પણ આપણે ત્યાં મનાઈ છે. તે એટલા માટે કે પૂર્વના કાળમાં બધે કાચા રસ્તા હતા. એટલે અનેક જાતની જીવોત્પત્તિ સંભવતાં તેની હિંસાનો ભય રહેતો, સાથે લપસી જઈ વાગવા વ.નો પણ ભય રહેતો. પાકા રસ્તા થયા પછી પણ નિગોદની ઉત્પત્તિ તથા મંકોડા પ્રકારનાં જંતુઓની ઉત્પત્તિ તો અતિશય થાય છે જ. તેથી વિરાધનાથી બચવાના હેતુથી જ શ્રીસંઘની માન્ય પરંપરા છે કે વર્ષાકાળમાં યાત્રા ન જ કરાય. ઘણા વિવેકી જીવો તો અષાઢી ૧૪ની પણ પહેલાં, વરસાદ ચાલુ થાય કે તરત જ, યાત્રાએ જવાનું માંડી વાળે છે.
શ્રીસંઘની મર્યાદાનું હંમેશાં ઉલ્લંઘન કરનારા કેટલાક જીવો એવાય છે કે જેમને ચોમાસામાં યાત્રાનો નિષેધ અયોગ્ય લાગે છે, અને ચોમાસામાં પણ યાત્રા કરાય તેવો આગ્રહ રાખે છે. તો કેટલાક એવા પણ છે, જે કહે છે કે ભગવાનની
ચાતુર્માસ