________________
અહીં સંવત્સરી પર્વના શુભ દિને, આપણા તીર્થકર ભગવંતોની કલ્યાણક ભૂમિરૂપ ક્ષેત્ર બિહાર રાજ્યમાં આવેલા પ્રલયકારી પૂરથી પીડિત જનતા પ્રત્યેની કરુણા ભાવનાથી રાહત ફંડ અંગે પ્રેરણા કરતાં અગિયાર લાખ કરતાં વધુ રકમ એકત્ર થઈ હતી. લાખો જિંદગીનાં જીવન - મરણનો સવાલ હોય અને અબજો રૂપિયાનું નુકસાનની વાત હોય ત્યાં, આટલી મામૂલી રકમ કાંઈ ઝાઝું કામ ન કરી શકે. આમ છતાં, આની પાછળ આપણાં હૃદયની સભાવના, અનુકંપા, સહાનુભૂતિ અને માનવતા જેવાં જે શુભ તત્ત્વો છે, તે બહુ મોટું કામ કરશે એમાં લેશ પણ શંકા નથી. આપણા ભગવાન એ અનુકંપાના મહાસાગર હતા. દીક્ષા અગાઉ એમણે એક વર્ષ સુધી સાંવત્સરિક દાન - વર્ષીદાન આપેલું. શા માટે ? તો અનુકંપાથી પ્રેરાઈને જગતના જીવો – માનવોનાં દારિદ્ર અને તજ્જનિત દુઃખ જોતાં દ્રવી ઉઠેલા ભગવાને, લોકોનાં દુઃખ મિટાવવા માટે જ વર્ષીદાનનો પ્રયોગ કરેલો. વળી, દીક્ષા, પછી પણ, દેશાવરથી પાછા ફરેલા બ્રાહ્મણે ભગવાન પાસે જઈને યાચના કરી, ત્યારે તેને પોતાનું અધું વસ્ત્ર આપ્યું, તેની પાછળ ભગવાનનો આશય પણ એક જ હતો : અનુકંપા.
ભગવંતે પહેલાં દ્રવ્ય - દયા એટલે કે દ્રવ્યથી અનુકંપા સેવી છે – આચરી છે, અને પછી જ ભાવદયાનો માર્ગ આદર્યો છે. જાણે તેમણે સૂચવ્યું કે જેને દ્રવ્ય દયા આવડતી ( ગમતી નથી, તેને ભાવદયાની વાતો કરવાનો કોઈ અધિકાર નથી.
શાસ્ત્રકાર મહર્ષિઓએ તો ત્યાં સુધી પ્રતિપાદન કર્યું છે કે જો તમારામાં શ્રદ્ધા ન હોય તો તમારા સમ્યક્ત્વ વિષે શંકા ઉપજે, પણ જો તમારામાં અનુકંપા ન હોય તો તો તમારા ભવ્યત્વ' પરત્વે શંકા જાગશે. અભવ્યને જ અનુકંપા ન હોય. એટલે આપણા ભવ્યપણાને અંકે કરી લેવા માટે થઈને પણ, અને આપણા ભવ્યત્વનો પરિપાક વેલાસર થાય તે માટે પણ, આપણા ચિત્તમાં, જીવનમાં અને વ્યવહારમાં અનુકંપાની પ્રતિષ્ઠા તથા આચરણા કરવી અત્યંત અનિવાર્ય ગણાય.
પર્યુષણા દરમ્યાન આપણે ત્યાં કરોડો રૂપિયાના ચડાવા બોલાયા. રૂઢિગત જીવદયાનાં ફંડો પણ થયાં.તપશ્ચર્યાનાં ઉજવણાં રૂપે જમણવારો પણ ખૂબ થયા, અને વરઘોડા વગેરે ઉત્સવ પણ થયા. પરંતુ આ બધાંની સાથે, જિનેશ્વરોની કલ્યાણક ભૂમિના પ્રદેશમાં આવી પડેલા અભૂતપૂર્વ જળસંકટથી પીડાયેલા સામાન્ય માણસ પ્રત્યેની અનુકંપા આપણામાં કેટલી પ્રગટી? માનવતાના નામ પર આપણે