________________
વિ.સં. ૧૯૬૪માં ભાવનગર મુકામે શ્રીગંભીરવિજયજી ગણિના હસ્તે તેમને આચાર્યપદ સાંપડ્યું. શાસનના છેલ્લા અઢીસો લગભગ વર્ષોના ઈતિહાસમાં, વિધિપૂર્વક યોગોદ્ધહન તેમજ સૂરિમંત્ર-પંચમસ્થાનની આરાધના કરીને સૂરિપદ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સંવિગ્ન જૈનાચાર્ય થયા. તે કારણે તેમને સૂરિચક્રચક્રવર્તી તરીકે પણ નવાજવામાં આવે છે.
ખંભાતના ૧૯ સ્વતંત્ર જિનાલયોનું એક મોટું જિનાલય બનાવડાવી તેની પ્રતિષ્ઠા; સ્તંભન પાર્શ્વનાથ તીર્થનો જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા, તે પ્રતિમાને લેપથી આચ્છાદિત કરાવવાની પ્રવૃત્તિ; ખંભાત તથા અમદાવાદમાં તથા અન્ય અનેક સ્થળોમાં પ્રાચીન-નવીન ચૈત્યોના ઉદ્ધાર તથા પ્રતિષ્ઠા – આ બધાનું શ્રેય એમને ફાળે પહોંચે છે.
અંજનશલાકાની રહસ્યમયી ક્રિયા નામશેષ જેવી થઈ હતી. તેનો પુનરુદ્ધાર કરીને જૈન સંઘમાં પુનઃપ્રચલિત કરવાનું શ્રેય પણ આ મહાન વિભૂતિને ફાળે જ છે. પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યનો પ્રભાવ એવો હતો કે તેમના હાથે થતી અંજનશલાકાની ક્ષણે તેમનો વીર્ષોલ્લાસ પરાકાષ્ટાએ પહોંચતો, અને તે પળે ત્યાં સ્થાપિત દર્પણના આપમેળે કટકા થઈ જતાં. જૈનશાસનમાં, વીસમી સદીમાં આવું બીજે કયાંય બન્યું નથી.
તે મહાપુરુષે કદંબગિરિ, કાપરડા અને શેરીસા - આ ત્રણ તીર્થોના પુનરૂદ્ધાર - પુનર્નિર્માણ માટે પોતાના જીવનને પણ હોડમાં મૂકી દીધેલું. આ ત્રણે તીર્થો એ માત્ર અને માત્ર શાસનસમ્રાટશ્રીને જ આભારી છે. તો તે ઉપરાંત, સ્તંભતીર્થ, માતર, વામજ, કલોલ, પાનસર, રાણકપુર, તળાજા, વલભીપુર જેવાં અનેક તીર્થક્ષેત્રોના સ્થાપન તથા ઉદ્ધાર તેમના હાથે ને તેમની પ્રેરણાથી થયાં છે.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક તીર્થો - શત્રુંજય, ગિરનાર, તારંગા, કુંભારિયા, સમેતશિખર, મક્ષીજી વગેરેની રક્ષા માટે, કેસો કે વિવાદોમાં વિજય માટે, તેમજ તે બધાંના ઉદ્ધાર તથા વહીવટ માટે, પેઢી હંમેશાં શાસનસમ્રાટનું જ માર્ગદર્શન મેળવતી અને તેમના વચન તેમજ આદેશ પ્રમાણે જ કાર્યવાહી થતી. પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈના પત્રાનુસાર “શાસનસમ્રાટ એ તીર્થરક્ષાના આધાર” હતા.
તેમની નિશ્રામાં નીકળેલા છરી પાલક સંઘની સંખ્યા ૬૦ થી વધુ થવા જાય છે. જેમાં માણેકલાલ મનસુખભાઈના ઐતિહાસિક સંઘનો પણ સમાવેશ થાય છે. ઉપધાન, ઉદ્યાપન, પ્રતિષ્ઠા વગેરે કાર્યોની તો સંખ્યા જ અકથ્ય છે.
શાસન સપાટ
'?