________________
જીવદયાના ક્ષેત્રે તેઓશ્રીનો અનન્ય ફાળો રહ્યો છે. અનેક પાંજરાપોળોનો ઉદ્ધાર, તેને નષ્ટ થતી રોકવી, તેને આર્થિક ટેકો કરાવવો, વગેરરૂપે જીવદયાનાં માતબર કાર્યો તેમના હાથે થયાં છે.
આ ભગવંતના જીવનની મોટામાં મોટી સિદ્ધિ એ હતી કે તેમણે ક્યારે પણ ક્યાંય કોઈ પણ નિમિત્તે કે પ્રકારે વિવાદ અને ક્લેશ કર્યા નથી, કરાવ્યા નથી. “આઘો ધર્મો વતસ્થાનાં, વિરોધોપશમઃ ખલુ' આ હેમોક્તિને તેઓ બરોબર અનુસર્યા છે, અને સંઘમાં, ગામોમાં, જ્ઞાતિઓમાં કે અન્યત્ર ચાલતાં અગણિત ક્લેશ - કુસંપ - વિવાદો - તેમણે શમાવ્યા છે.
જ્ઞાન ક્ષેત્રે તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે. તો હરિભદ્રસૂરિજી તથા ઉપાધ્યાયજી યશોવિજયજીના ગ્રંથોને સર્વપ્રથમ પ્રકાશિત-સંપાદિત કરવાનું યશસ્વી કાર્ય તેમણે જ કર્યું છે. તેમનું જોઈને પછી ઘણાએ એવા કાર્યમાં જરૂર ઝુકાવ્યું. પણ પાયો તો શાસનસમ્રાટે જ નાખ્યો.
તેમનો શિષ્યગણ અતિસમર્થ, શાસનને વફાદાર, ગુરુસમર્પિત, જ્ઞાન ધ્યાને સમૃદ્ધ એવો તેમણે નિર્માણ કર્યો. જેમ, ગુરુઓ ઘણા, પણ શાસનસમ્રાટ એક જ; તેમ શિષ્યો તો ઘણાના થાય, પણ શાસનસમ્રાટના શિષ્યો જેવા તો ન ભૂતો ન ભવિષ્યતિ.
એમની દેશનાશક્તિ અનન્ય અને અસાધારણ હતી. વ્યાખ્યાન આપવાની શાસ્ત્ર-શાસનમાન્ય પ્રણાલિકાનો પાયો તેઓશ્રીએ નાખ્યો. અને પ્રણાલિકાને અકબંધ રાખીને અર્વાચીન તાર્કિકતાનો પુટ તેમણે જ આપ્યો. શાસ્ત્રીય દેશનાનું શ્રોતાગણને પ્રત્યાયન થાય તેવી દૃષ્ટિથી સંપન્ન આ કાર્ય કર્યું.
હજારો નૂતન જિનબિંબો તેમણે ભરાવ્યાં, ને વિજયસેનસૂરિ મહારાજના વારસાને પુનઃ જીવિત કર્યો.
(કાર્તક-૨૦૧૬)