________________
વિ.સં. ૧૯૨૯ના કાર્તક સુદી એકમની પ્રભાતે જન્મ. જન્મ સ્થળ મહુવા. પિતા લક્ષ્મીચંદ. માતા દીવાળીબાઈ. વિ.સં.૨૦૦૫ના આસો વદી અમાસની રાત્રે સ્વર્ગગમન. સ્વર્ગ-સ્થળ મહુવા દિવાળીનું મંગળ પર્વ.
વ્યાવહારિક કેળવણી સાત ધોરણની. ઈંગ્લીશ અભ્યાસ પણ ખરો. નોકરી અને ધંધો પણ કર્યો અને કમાયા પણ ખરા. પણ સંસ્કૃત ભણવાની તલપ લાગતાં ભાવનગર ગુરુદેવ શ્રીવૃદ્ધિચંદ્રજી પાસે ભણવા રહ્યા. ત્યાં સ્વયંસ્ફરિત વૈરાગ્યનો ફુટારો થયો અને સ્વતંત્ર ચિંતન દ્વારા સંસારની અસારતા તો પ્રીછી જ; સાથે સાથે, “પોતે આ સંસારની માયાજાળ માટે નથી જએવી અનુભૂતિ પણ પામ્યા.
દીક્ષાની ભાવના તો કરી, પણ અનુમતિ ન મળી. તો ભાગ્યા. પણ ત્યાં ગુરુદેવે વડીલોની મંજૂરી વિના દીક્ષા આપવાની ના ફરમાવી. એટલે જાતે વેષ ધારણ કરી લીધો. ગુરુદેવે ન છૂટકે દીક્ષા આપવી જ પડી. મા-બાપને જાણ થતાં બધાને લઈને આવ્યાં. ઘણા ઉપાયો અજમાવ્યા. માતાએ પથ્થર પર માથું અફળાવી ફોડ્યું, ને આંસુ તેમજ લોહીથી લથબથતું કલ્પાંત કર્યું. પણ સ્વયં અડોલ રહ્યા, ને બહુ જ લાગણીથી માતા-પિતાને જીતી લઈ દીક્ષામાં સહમત ર્યા. અને પછીનાં વર્ષોમાં મહુવા જઈને પોતાના જ્ઞાન, ચારિત્ર, વકતૃત્વ તથા અન્ય અનેક ગુણો દ્વારા માતા-પિતાને એટલો બધો સંતોષ પમાડ્યો કે તેમને દીક્ષા માટે અવરોધ કરવા બદલ પશ્ચાત્તાપ થયો.
અભ્યાસ કર્યો. પ્રાચ્ય-નવ્ય ન્યાય, પાણિનિ ને સિદ્ધહેમ વ્યાકરણો, કાવ્યો, દર્શન-શાસ્ત્રો, આગમો તથા અન્ય અનેક શાસ્ત્રોના મર્મજ્ઞ બન્યા. સ્વતંત્ર વિહાર તથા ચાતુર્માસો દ્વારા અનેક જીવોને બોધ પમાડ્યો; શિષ્યો મેળવ્યા; સંઘયાત્રાદિ ધર્મકાર્યો કરાવ્યાં. સહજ હૈયાઉકલતના જોરે પાલીતાણા-ઠાકોર સાથેના જૈનોના કજિયાને શાંત પાડ્યો, અને સાધુઓની તથા શાસનની હીલના થતી અટકાવી. વૈયાવચ્ચ દ્વારા સાધુઓને પ્લેગના મોંમાંથી ઉગારી લીધા.
| વિ.સં.૧૯૬૦માં તેમને પૂજ્યપાદ પં.શ્રીગંભીરવિજયજી ગણિના હાથે ગણિપદ-પંન્યાસપદ અર્પણ થયાં - વલભીપુરમાં શ્રીઆનંદસાગરજી મહારાજ તેમની સાથે પાંચ-છ વર્ષોથી ભણવા અંગે રહેલા, અને મહારાજશ્રી તેમને ભણાવતા. તેઓને મહારાજશ્રીએ જોગ વહેવડાવીને ગણિ-પંન્યાસપદ આપ્યાં. સાગરજી મ.સા. ના મોટા ભાઈ શ્રીમણિવિજયજી હતા, તેમને પણ તે જ પદવીઓ આપી.