________________
ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા શાસનસમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી દાદા. જૈન સંઘનું એક પુણ્યપનોતું નામ.
એવું નામ, જેનું સ્મરણ કરતાંય ચિત્ત પવિત્રતાનો અનુભવ કરે. એવું નામ, જેનું શ્રવણ કરવાથી પણ જીવનમાં માંગલ્ય છવાય.
વીસમી સદીના જૈન સંઘ અને શાસન માટે આ મહાપુરુષે જે કાર્યો કર્યાં છે, તેની ફક્ત નોંધ જ કરવામાં આવે, તો પણ એક પુસ્તક રચાઈ જાય !
મારું શાસન, મારો સંઘ – એ એમનો નાદ હતો - રોમે રોમે નિત્ય-નિરંતર ગુંજતો. સંયમનું અણીશુદ્ધ પાલન, એ એમનો લક્ષ્યાંક હતો.
આ મહાપુરુષ શાસનના આરાધક પણ હતા, પ્રભાવક પણ હતા, અને સંરક્ષક પણ હતા.
એમણે પ્રાણાંત કષ્ટો વેઠીને અનેક તીર્થોનો પુનરુદ્ધાર કર્યો છે. એમણે એક રાજપુરુષને અથવા દેશદીવાનને છાજે તેવી બુદ્ધિ, કુનેહ અને મુત્સદીવટથી અનેક પુરાણાં મહાતીર્થોની અને તીર્થોના હકોની રક્ષા કરી છે.
એમનો સમય દેશી રાજ્યોનો – રજવાડાંનો હતો. અનેક રાજ્યોના રાજારાણાઓ અને મંત્રીઓ – દીવાનો તેમના સહજ શ્રદ્ધાવનત ભક્ત હતા. તેમના આદેશ - ઉપદેશને ઝીલવા અને તેનું પાલન કરવા તેઓ હમેશાં તત્પર રહેતા. આ અતિશયોક્તિ નથી. વાસ્તવોક્તિ છે. એક જ દાખલો જોઈએ :
સં. ૧૯૯૧માં માકુભાઈ શેઠનો ઐતિહાસિક યાત્રા સંઘ નીકળ્યો હતો. માર્ગમાં જે જે રિયાસતો આવતી, તેના રાજવીઓ તથા રાજ્યતંત્ર સંઘનું તથા મહારાજજીનું ભવ્ય સ્વાગત કરતા. અમારિ-ઘોષણા તથા અન્ય ઉચિત કર્તવ્યો પણ કરતા. તે તે ક્ષેત્રના સંઘો તો ખરા જ, પણ રાજ્યો પણ સંઘને પોતાના ત્યાં પધરાવવાની વિનંતિ કરીને લઈ જતા.
એક રાજ્ય હતું ગોંડલનું. ત્યાંના મહારાણા ભગવતસિંહજીને સંઘ પોતાને ત્યાં આવે તે ન રુચ્યું. વિનંતિ ન કરવાનું રાખ્યું. રાજને ઉલ્લંઘીને સંઘ – મહાજન પણ વિનંતિ શી રીતે કરી શકે? એટલે સંઘ બીજાં ગામો ભણી વળી ગયો અને આગળ વધ્યો.
શાસન સમ્રાટ