________________
સુરિસમ્રાટને આથી મનમાં ઉદ્વેગ થઈ આવ્યો. તેમણે પેલા માણસને બોલાવીને કીધું : “ભાઈ ! અમો તો સાધુ છીએ, પણ તું આવી રીતે કોઈ ફકીરને પણ સતાવીશ નહીં. નહિ તો સાપ કરડી ખાશે.”
એ હિતશિક્ષા સાંભળીને એ માણસ ત્યાંથી નીકળીને કોઈ કાર્યવશ પેલા વાડામાં ગયો. ત્યાં અમુક ભાગમાં ઘાસ ઘણું ઉગેલું તેમાં તે ચાલ્યો. એ વખતે અચાનક એક મોટો કાળોતરો સાપ ત્યાં દેખાયો, અને તે માણસ કાંઈ સમજે કે ભાગે તે પહેલાં જ તે સાપે તેને ડંખ દઈ દીધો. પેલો માણસ ચીસ પાડીને બેભાન થઈ પડી ગયો.
ચીસ અને ધબાકો સાંભળતાં જ લોકો ત્યાં દોડી આવ્યા. જોયું તો પગે સાપનો ડિંખ છે, લોહી વહી રહ્યું છે, અને શરીર પર ઝેરની કાતિલ અસર થઈ રહી છે. બધાને થયું કે આ મરી જવાનો હવે. મહારાજસાહેબની વાણી સાચી પડી !
ફૂલચંદજીને આ વાતની જાણ થતાં જ તે ત્યાં દોડી આવ્યા. માણસની હાલત જોઈને તેઓ દોડતા ઉપાશ્રયે મહારાજશ્રી પાસે ગયા, અને પગ પકડીને કહ્યું કે સાહેબ ! આ માણસ તેની બુઢી માંનો એકનો એક આધાર છે. એ બચી જાય એવું કાંઈક કરો, કૃપા કરો!
સુરિસમ્રાટ દ્રવી ઊઠ્યા. તેમણે કોઈ શાપ તો નહોતો આપ્યો. માત્ર શિખામણ આપી હતી કે સાધુ કે ફકીર લોકોને સંતાપીએ તો આવું થાય. પણ શિખામણરૂપે સહેજે નીકળેલું વેણ પણ આમ ફળીભૂત થશે તેવું તો ખુદ તેમણે પણ કહ્યું નહિ હતું. તે માણસની મરણાંત સ્થિતિની વાત સાંભળતાં જ તેઓ દ્રવી ઊઠ્યા. તેમણે ગર્જના કરતાં કહ્યું : “ફૂલચંદ ! એ માણસને ઘી પાઈ દો. જેટલું પી શકે તેટલું ઘી પીવડાવી દો. ઝેર ઊતરી જશે.”
ગોલેચ્છા શેઠ દોડ્યા. ઘેરથી ચોખ્ખું ઘી લાવીને તે માણસને પીવડાવ્યું. તો થોડીક જ ક્ષણોમાં સાપનું ઝેર ઊતરી ગયું. માણસ ભાનમાં આવ્યો, અને સ્વસ્થ થઈને ચાલ્યો ગયો.
વચનસિદ્ધિ કેવી હોય, કોને કહેવાય, તેનો ખ્યાલ આવા પ્રસંગો પરથી મળી શકે છે.
આ ઘટનાને કેટલાક લોકો “મહારાજશ્રી ક્રોધમાં આવીને આવા શાપ પણ આપતા હતા” – એવા અર્થમાં મૂલવે છે. તથા વર્ણવે છે. પણ સાધુપુરુષ કદાપિ શાપ આપે નહિ, કોઈનુંય અશુભ કરે નહિ, તેટલો પણ જો ખ્યાલ હોય તો આવું મૂલ્યાંકન તેઓએ કર્યું ન હોત. સંભવ છે કે અધકચરી જાણકારીને આધીને આવું થતું હોય. પણ તે આખો પ્રસંગ ઉપર વર્ણવ્યો તે પ્રમાણે છે, તે જાણ્યા પછી આવી અછાજતી વાત કે માન્યતા બદલાવી જ જોઈએ.
અસ્તુ. આપણે તો એટલું જ સમજીએ કે શાસનસમ્રાટશ્રી કેવા મહાન સંતજન હતા ! કેવા વચનસિદ્ધ હતા ! અને સાથે સાથે કેવા દયાળુ હતા ! આવા સાધુપુરુષના ચરણોમાં શતાબ્દી વર્ષે કોટિ વંદન !
(જેઠ-૨૦૬૪)
ઉOo