________________
આ માસમાં જેઠ સુદિ પાંચમના શુભ દિવસ આવે છે, તે દિવસ પ.પૂ. શાસનસમ્રાટ પરમગુરુ ભગવંત શ્રીવિજયનેમિસૂરીશ્વરજી દાદાની આચાર્યપદવીની શતાબ્દીનો શુભ દિવસ છે. વીસમી સદીના એ અત્યંત સુયોગ્ય જ નહિ, પરંતુ શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક અને ગુરુભગવંતોની ઈચ્છા તથા આજ્ઞાપૂર્વક પદવી મેળવનાર એ પ્રથમ જ સાધુપુરુષ હતા. તેથી તેમની આચાર્યપદવીનો તથા તેની શતાબ્દીનો મહિમા, સુજ્ઞ જનોને મન, અદકેરો છે. અમારા સમુદાયમાં અનેક સાધુ - સાધ્વી મહારાજની પ્રેરણાથી તથા નિશ્રામાં આ દિવસની ઉજવણી થશે, તથા સૂરિસમ્રાટનાં ગુણગાન થશે.
સાધુપુરુષો અથવા સંતજનોનાં હૃદય એટલાં બધાં નિર્મળ, સરળ અને પવિત્ર હોય છે, કે તેઓ સ્વપ્નમાં પણ અથવા કલ્પનામાં પણ કોઈનું ખરાબ ઇચ્છા નથી હોતા કે કરતા નથી હોતા. તેમનાં મન-વચન નિરંતર સત્યનું જ સેવન કરતાં રહે છે. અસત્યસેવન કે અસત્ય આચરણથી તેઓ હમેશાં વેગળા રહેતા હોય છે. પરિણામે તેઓ સત્યસંકલ્પી અને વચનસિદ્ધ બની જાય છે. તેમના મનમાં ભાવના જાગે ને તત્કાળ તેનું ફળ મળે જ. તેમના મુખમાંથી તદ્દન સહજભાવે વાણી નીકળે અને ગણતરીની પળોમાં જ તે વાણી ફળીભૂત પણ થતી જોવા મળે.
પૂજય સુરિસમ્રાટ આવા જ એક વચનસિદ્ધ મહાપુરુષ હતા. તેના દાખલા તો ઘણા છે, અને તે જાણીતા પણ છે. અહીં એક ઓછો જાણીતો દાખલો આપણે જાણીએ.
વિ.સં. ૧૯૭૨ની એટલે કે આજથી લગભગ ૯૨ વર્ષ અગાઉની આ ઘટના છે. સૂરિસમ્રાટ તે વર્ષે ફલોધી (રાજસ્થાન)માં ચાતુર્માસ રહેલા. તે ચોમાસામાં સાધુઓને તાવનો ઉપદ્રવ સવિશેષ થયેલો. તેથી માંદા મુનિઓને લઘુશંકા - વડીશંકાના નિવારણાર્થે (ઠલ્લા માત્રા માટે) જગ્યાનો ખપ પડ્યો. તે માટે તેઓશ્રીએ શ્રીફુલચંદજી ગોલેચ્છાનો એક મોટો વાડો હતો તેની યાચના કરી. તેમણે તે વાપરવાની અનુમતિ આપી.
એકવાર શ્રીપદ્મવિજયજી મહારાજ આ વાડામાં ઠલ્લે (સંડાસ) ગયેલા. બરાબર તે જ વખતે ગોલેચ્છા શેઠનો માણસ ત્યાં આવ્યો. તેણે વાડો બહારથી ઉઘાડો જોયો, અને અંદર કોઈ હશે – તેનો ખ્યાલ કર્યા વિના જ વાડો બંધ કરી તાળું મારી દીધું અને ચાલ્યો ગયો.
આ બાજુ પેલા મુનિરાજ વાડો ખોલે તો ખૂલે નહિ. ખખડાવે તો પણ કોઈ સાંભળે નહિ. તેમણે ઉદયવિજય મહારાજના નામની બૂમો પાડવા માંડી, પણ તે અવાજ પણ ઉપાશ્રયે પહોંચે નહિ. આમ ને આમ કલાકેક વીતી ગયો. ઉપાશ્રયમાં સુરિસમ્રાટના મનમાં પ્રશ્ન થયો કે સાધુ ક્યારનો ગયો છે તે હજી કેમ આવ્યો નથી? તેમણે સાધુઓને મોકલ્યા, તપાસ કરતાં ખરું કારણ જાણવા મળ્યું. તુરત ચાવી મંગાવી, દરવાજો ખોલાવ, મુનિરાજને છોડાવ્યા.