________________
સવાલ એટલો કે તે તો મહાવિભૂતિ હતા, એટલે આવું બધું સહન કરી શક્યા. તેઓ સહન કરાવનારાનું ભલું કરીને જ જંપ્યા હતા. પણ તેમની તે પદ્ધતિને અનુસરવાનું આપણું ગજું છે ખરું? એટલી હદે તો નહિ, પણ એનો એકાદ અંશ પણ આપણે આચરી શકીએ તેવી આપણી ભૂમિકા છે ખરી?
સવાલ લાખ રૂપિયાનો હોય, તો તેનો કરોડ રૂપિયાનો જવાબ આ રહ્યો આપણે મહાવીરસ્વામી ભલે ન હોઈએ. પણ તેમના સંતાન, સેવક અને ઉપાસક તો છીએ જ. તેમના જેટલું ખમીર કે વૈર્ય ભલે આપણામાં નથી, પણ આપણે પણ તે માર્ગે જ જવાનું ને આગળ વધવાનું છે તેમાં બેમત નથી. છેવટે તો આપણે જૈન છીએ, જિનમાર્ગના ઉપાસક મુસાફર છીએ. આપણે આ માર્ગે ચાલતાં આટલું જ શીખવાનું છે કે વિરોધીને પણ સ્નેહથી વશ કરવાનો છે. વેરીને પણ વહાલા બનાવવાના છે. અદેખા અને અયોગ્યને પણ સ્નેહ, કરુણા દ્વારા યોગ્ય બનાવવાના છે, અને સ્વાર્થ-ઈર્ષ્યા-અહં વગેરેને લીધે આપણું બગાડનારને પણ ક્ષમાભાવે પ્રેમ આપવાનો છે.
ભગવાનનો માર્ગ આ છે. પર્યુષણ પર્વની સાધના આ ભૂમિકામાં જ છે. આ વાત બીજાને ને બધાને સમજાય કે નહિ, આપણે તો તેને સમજવાની જ છે, અને તેના અનુસરણની મથામણ કરવાની જ છે.
મિત્રો, ચાલો, આ પર્યુષણમાં આપણે આ માર્ગે ચાલવાનો સનિષ્ઠ પ્રયાસ કરીએ. કષ્ટ આપનારા તરફની કડવાશ પણ ગાળી નાખીએ. મનને મૈત્રી, ક્ષમા અને સ્નેહથી છલકાવી દઈએ. તમને સૌને મારા તરફથી હૃદયપૂર્વક મિચ્છા મિ દુક્કડ...
(ભાદરવો-૨૦૬૩)
પર્યુષણ
'