Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 292
________________ પર્યુષણપર્વ ચાલી રહ્યાં છે. અથવા ચાલુ થશે – આ મળશે ત્યારે. ક્ષમાધર્મની આરાધના કરવાના પુનિત અને મીઠા આ દિવસોમાં ચિત્તને ઉપશાન્ત અને સમભાવી બનાવવાની તાલીમ લેવાની છે, સાધના કરવાની છે. આપણી ચારે તરફ સ્વાર્થ, અહં, મારું-તારું, હક-અધિકાર, ક્લેશ-કંકાસ અને કષાયોના જ જ્વાળામુખી ભભૂકી રહ્યાં છે. ક્યાંય શાંતિ, સમાધિ કે સંતોષની એક નાનીશી પણ જળછાલક જોવા મળતી નથી. બધું ઉમ્ર છે. બધાંય ઉગ્ન છે. બધે વ્યગ્રતા જ છવાઈ છે. એકાગ્રતાનો અણસાર પણ ક્યાંય નથી. આ બધું જોઈ – અનુભવીને અતિવિહ્વળ બનતા ચિત્તને સમાધાનની શીળી છાંયડી આપતા વડલાસમું પર્યુષણાપર્વ આપણા જીવનના આંગણે ભાગ્યયોગે ઊગી નીકળ્યું છે, તો તેની શીળી છાયામાં કરવાની ને સૌને ઠારવાની અલૌકિક મોજ માણી લેવાની છે. અપેક્ષા, અભિમાન અને અદેખાઈ – આ ત્રણની આગમાં એકેએક હૃદય લપટાઈ ગયું જણાય છે. આ ત્રણથી દૂર હોય તેવું એકેય હૃદય મને તો હજી જડ્યું નથી. સ્નેહ વડે જગત આખાને વશ કરી શકાય - એવી વાતો ઘણી સાંભળી હોય અને ભગવાન મહાવીર પ્રભુ જેવી મહાવિભૂતિ માટે તે કદાચ સાચી પણ હોય. પણ એ વાત સામાન્ય મનુષ્ય માટે જવલ્લે જ સાચી પડતી હોય છે. સામાન્ય માણસને તો, સ્નેહ કરે તો ગરજ ગણાય, પરમાર્થ કે પરોપકાર કરે તો સ્વાર્થની શંકાથી જોવાય, ઉદારતા દાખવે તો સામે અપેક્ષા અને અદેખાઈની આગ વરસે; સહિષ્ણુ બની સહન કરી લે તો વધુ ને વધુ દબાવી-દબડાવીને ગેરલાભ ઉઠાવાય, આવા જ અનુભવો થતાં હોય છે. નિષ્કારણ સ્નેહ વડે, હૃદયની વિશાળતા અને આશયની ઉદારતાના બળે જો તમે કોઈનું પણ કલ્યાણ કરવાની, દ્રવ્યથી ને ક્વચિત ભાવથી પણ અન્યનું શુભ કરવાની મથામણ કરો, તો ક્યારેક સામો માણસ તમારા પર પોતાનો માલિકીભાવ કરવા માંડશે. ક્યારેક તમારો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવા માટે કરશે. ક્યારેક તમારા માટે ન કરવાની કલ્પનાઓ તેમ જ વાતો તથા આક્ષેપો કરશે. અને એ રીતે તે પોતાનું તો ગુમાવશે જ, સાથે તમારું પણ બગાડશે. ભગવાનને પણ ચંડકોશિયો ક્યાં નાતો ખ્યો? ભગવાન જેનું જેનું કલ્યાણ કરવા ગયા, તેણે તેણે પ્રથમતઃ તો તેમને સંતાપ્યા - સતાવ્યા જ છે, એ વાતો બહુ જાણીતી છે.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310