________________
૧૦
હવે પર્યુષણમહાપર્વના રૂડા દિવસો નજીકમાં આવી રહ્યા છે. હમણાં બે વર્ષથી પર્યુષણામાં ભેદ આવે છે. ગયે વર્ષે અધિક માસને કારણે ખરતરગચ્છાદિ સાથે ભેદ આવેલો. આ વર્ષે બેતિથિપક્ષ આપણાથી અર્થાત્ સકળ સંઘથી જુદો પડ્યો છે. ગચ્છોમાં જુદા પડવાનું તો સેંકડો વર્ષોથી ચાલતું જ આવ્યું છે. પરંતુ, ‘અમે જ સાચા, અમારી માન્યતા તથા તિથિ જ ખરી; બીજા બધા જૂઠા, નરકગામી, ભારેકર્મી અને મિથ્યાત્વી’ - આ પ્રકા૨ની કદાગ્રહી વૃત્તિ-પ્રવૃત્તિવાળા તો આપણા સંઘના ઈતિહાસમાં કદાચ આ લોકો પહેલવહેલાં જ હશે. ખેર, કદાગ્રહ એ મિથ્યાત્વનું અધિષ્ઠાન છે એટલું સમજીને આપણે આપણા શ્રીસંઘ તથા ગુરુઓની સુવિહિત માન્યતાને દઢપણે અનુસરવું અને આવા પક્ષરાગી જીવોની ભાવદયા ચિંતવી તેમના કલ્યાણની કામના સેવવી એ જ આરાધકોનું ઉચિત કૃત્ય છે.
પર્યુષણા એ ક્ષમા અને મૈત્રીની સાધનાનું મહાપર્વ છે. કોઈને પણ શત્રુ ન માનવા, શત્રુતા રાખનાર પ્રત્યે પણ મૈત્રીભર્યો વ્યવહાર તથા સદ્ભાવ કેળવવો, એ છે મૈત્રીભાવ. કોઈ કોઈનું દુશ્મન નથી. બધા જ વ્યવહાર લેણદેણ કે ઋણાનુબંધ થકી જ થતાં હોય છે. અન્યનું ખરાબ કરીને પેદા કરેલ અશુભ કર્મો જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણને શત્રુ માને છે અને શત્રુભાવે વર્તે છે. એ ક્ષણે જો આપણે કર્મના ઉદયને યાદ રાખીએ, તો સામા મનુષ્યના ગમે તેવા દુષ્ટ કે વિપરીત વર્તનને પણ શત્રુતા સમજવાને બદલે, આપણે કરેલું દેવું ચૂકવાય છે તેમ જ આપણા કર્મોનો આ રીતે ક્ષય થાય છે, તેવો ભાવ અવશ્ય જાગે. પછી એ મનુષ્ય તરફ ક્લેશ કે રીસ ન થતાં સમભાવ કે સદ્ભાવ જાગશે, અને એની અસ૨ તે મનુષ્ય પર એવી પડશે કે આપણે અને એ પરસ્પરના મિત્ર બની જઈશું, આવી સમજણ અને તેમાંથી ઊગતો મૈત્રીભાવ સૌ મનુષ્યો તથા સઘળા જીવો પ્રત્યે કેળવવાનો છે એવી જૈનશાસનની શીખ છે.
બીજી વાત છે ક્ષમાપનાની. જીવનના સંકુલ વ્યવહારો દરમિયાન અનેક લોકો સાથે એક કે બીજી રીતે સંબંધ/સંપર્ક થતા જ રહે છે. તેમાં આપણાથી અન્ય ઘણા ઘણાને માઠું લાગે કે સંતાપ થાય તે સ્વાભાવિક છે. કોઈકનું અશુભ આપણે ખરેખર કર્યું પણ હોય છે, તો કોઈકનું અશુભ ન જ કર્યું હોય છતાં એના અશુભના નિમિત્ત આપણે જ હોઈએ તેવું માને છે, વર્તે છે. આના પરિણામમાં સંબંધો તૂટે કે બગડે છે અને ક્વચિત્ ત્રાસદાયક હોનારતો પણ સર્જાય છે. આ