________________
વર્ષ-ભરમાં, જીવનયાત્રા દરમિયાન, ક્યારે પણ, કોઈ પણ રીતે કે પ્રકારે કોઈના પણ જીવને, જીવનને જફા (હાનિ) પહોચે તેવું કૃત્ય આપણાથી જાણ્યઅજાણે પણ થયું હોય, તો તેને સંભારીને આપણે ક્ષમાયાચના કરવાની છે.
એક વાત હજી ધ્યાનમાં લેવાની છે, ક્ષમા માગવી એ આપણું કર્તવ્ય છે. આપણે સાચુકલા હૃદયથી આપણી ભૂલો બદલ ક્ષમા માગી એટલે આપણાં પક્ષે કાર્ય પૂર્ણ થયું ગણાય. શરત એક જ કે હવે પછીના દિવસોમાં, સામી વ્યક્તિ ગમે તેમ વર્તે તો પણ, તેના પ્રત્યે દ્વેષ કે રીસ કે બદલો લેવાની વૃત્તિ, આપણાં દિલમાં કદાપિ ન પ્રવેશવી જોઈએ. હવે સામો માણસ આપણી વાત સ્વીકારે કે ન સ્વીકારે, અથવા ક્ષમા આપે યા ન આપે, તે તો તેની ઉદારતા તથા સમજણ તથા આરાધકભાવ ઉપર જ નિર્ભર રહે છે. તે ઉદાર અને આરાધક હશે, તો આપણી સચ્ચાઈ પરખીને અવશ્ય ક્ષમા આપશે જ. પણ કોઈવાર તે ક્ષમા ન આપે તો તેમાં તેનો દોષ ન જોતાં આપણા અશુભોદયનો જ દોષ વિચારવો રહ્યો.
હું પણ, તમારી, આ પત્ર વાંચે તે તમામની, ખરા હૃદયથી ક્ષમા ચાહું છું. વિતેલા વર્ષમાં, વર્ષોમાં, પરિચયના લાંબા કે ટૂંકા ગાળામાં, આ પત્રો થકી કે બીજી કોઈ પણ રીતે, મનથી કે વાણી વડે કે કાયા દ્વારા તમોને દૂભવ્યા હોય, તમને અરુચિકર બને તેવું થયું કે કર્યું હોય, તો તે બદલ, પર્યુષણ પર્વની પહેલાં જ, તમારા પ્રત્યે ખમતખામણાં કરું છું. સાથે જ તમોને સૌને સાચા હૃદયથી ખમાવું છું, એટલે કે ક્ષમા માગું છું. આ ક્ષણે કોઈના પણ પરત્વે, મારા ચિત્તમાં, વેર-વિરોધ કે દ્વેષની લેશ પણ છાંટ નથી. આ સ્થિતિ નિરંતર બનો તેવી કામના
કરૂં છું.
તમે બધાં પણ, તમારું કોઈ પણ રીતે જેણે બગાડ્યું હોય તેને, ક્ષમા કરજો. બદલો લેવો સહેલો છે, જતું કરવું કઠિન. તમે કઠિન કામ કરો અને તેમાં સફળ થાવ તેવી ભલામણ.
સંબંધો તો બંધાય પણ ખરા અને તૂટે પણ ખરા. લેણદેણ હોય તેમ બને. પરંતુ ટકનારો કે તૂટનારો કોઈ પણ સંબંધ આપણા દિલમાં વેર અને દ્વેષની આગ લગાડી ન જાય તેની ખાસ કાળજી કરવાની છે. એ આગ સામાને તો જરૂર દઝાડવાની, પણ તે સાથે જ એ આગ આપણી આખા ભવની શુભ કમાણીને પણ બાળીને ખાખ કરી નાખશે જ – એ ન ભૂલવું.
રાગ-દ્વેષથી બચવું તે જ ખરી ધર્મસાધના છે એમ આપણે સાંભળીએ
: