________________
આરાધના ચાલુ હશે, ચાલુ જ રાખજો. જીવનમાં ગમે તેવાં પરિવર્તન આવે, પણ ધર્મ પ્રત્યેનો રાગ છૂટવો કે ઘટવો ન જોઈએ. ધર્મ શાશ્વત છે, વ્યક્તિ નહિ, એ વાત કદી ભૂલવી નહિ. વ્યક્તિ સાથેના રાગ કે દ્વેષને કારણે ધર્મ પ્રત્યે અરુચિ કરવી તે તો આપણી જાત પ્રત્યે મોટો અપરાધ છે. ધર્મ તરફનો અણગમો આપણને દુર્ગતિમાં લઈ ગયા વિના ન રહે, અને ત્યાં ભોગવવાનાં દુઃખોનું પરિણામ ભવભ્રમણની વૃદ્ધિરૂપે જ મળે. શાણો માણસ આ વાત સમજે જ, અને તેથી જ ધર્મ અને તેની આરાધના ન જ છોડે, ન જ ચૂકે. વ્યકિત પ્રત્યેનો ગમોઅણગમો જો ધર્મ માટેના અણગમામાં પરિણમે તો આત્મા દુર્લભબોધિ બની જાય.
આજે “મમત્વ' અંગે વાત કરવી છે. શ્રીહરિભદ્રાચાર્ય ભગવંતે કહ્યું છે કે મમત્ત બંધકારણે - મમત્વ એ આત્મા માટે બંધનનું કારણ છે. જ્યાં મમત્વ ત્યાં બંધન. મમત્વ જેટલું તીવ્ર, તેટલું બંધન દઢ, એટલાં કર્મબંધનો વધુ થાય. મમત્વને લીધે અનેક દોષો અથવા પાપોનું સેવન થાય, અને એ સેવનથી કર્મો બંધાયા વિના કેમ રહે?
સાધુ હોય કે ગૃહસ્થ, મમત્વ બધાને કનડે છે. ક્યારેક સ્થાનનું તો ક્યારેક માન-પાનનું, કદીક કોઈ વ્યક્તિનું તો કદીક કોઈ વસ્તુનું, ક્યારેક નામનું તો
ક્વચિત્ પરિગ્રહનું – કોઈને કોઈ જાતનું મમત્વ આપણને – મને, તમને, સૌને - પજવે જ છે, એ વાતનો ઈન્કાર ન કરી શકાય. કોઈ ઈન્કાર કરતું હોય તો તે દંભી જાણવો.
મમત્વ એટલે આ મારું, આ મારું નહિ, આ સારું, આ નહિ; આ મને ગમે, આ નહિ; આવી વૃત્તિ. આપણને જે ગમે, તેમાં કે તેના કોઈ દોષ હોય કે તે કાંઈ ભૂલ કરે, તો પણ તેને આપણે ચલાવી લેવાના; તે દોષ કે ભૂલ આપણને દેખાવાના તો નહિ જ, બલ્ક મીઠા અને સારા લાગવાના. તેનો આપણે બચાવ જ કરીએ. અને, આપણને જે ના ગમે, જેના પ્રત્યે દ્વેષ કે અરુચિ થાય, તેના ગમે તેવા સારા ગુણ હોય તો પણ તે આપણને ગુણ ન જ લાગે તેના દોષો જ દેખાય અને વળી તે બહુ મોટા-ભારી દેખાય. ગઈકાલ સુધી તેનું જે બધું વ્હાલું કે સારું લાગતું હતું, તે બધું એકાએક ખરાબ અને દૂષિત હોવાનું લાગવા માંડે. આ છે આપણા “મમત્વના ખેલ.