________________
વિશ્વધર્મ થવાની ક્ષમતા હતી. પરંતુ કુદરતને ખતમ કરવાની અને તેમ કરવાથી સઘળાં ભૌતિક સુખ-સાધનો મળી રહેશે તેવી તાલીમ તેમજ સમાજની આપણને પ્રાપ્તિ થઈ ગઈ ત્યારથી આપણા ધર્મો કદાચ વિશ્વધર્મ બનવાની ગુંજાઈશ ખોઈ બેઠા જણાય છે. માનવતાવાદના આકર્ષક ઓઠા હેઠળ પાંગરેલો, વિદેશમાંથી આપણા ઘરમાં આવી ઘૂસેલો “વૈશ્વિક અધર્મ આજે તો આપણી સંસ્કૃતિ ઉપર રાજ ભોગવે છે. વિકાસ અને સુખના નામે, કુદરતનો, ધર્મનો અને જીવજગતનો ચાલતો વિનાશ, એ આવનારા નજીકના ભવિષ્યકાળમાં માનવજાતનો જ સર્વનાશ હશે, એવું અર્થશાસ્ત્ર, અંકશાસ્ત્ર કે બીજાં કોઈ શાસ્ત્રોને નહિ જાણનારો ગામડિયો માણસ પણ ભાખી શકે તેવી સ્થિતિ આજે પ્રવર્તે છે.
આમાં ફેરફાર કરવાનું આપણું ગજું નથી. પરંતુ આપણા પક્ષે આપણે શક્ય વધુ ને વધુ તપ-ત્યાગ-સંયમ-અહિંસા આચરીએ, પર્યાવરણ અર્થાત્ કુદરતનો ભોગ લેવાનું અને તેના ભોગે આપણું સુખ ઊભું કરવાનું બંધ કરીએ, અને એ રીતે ધર્મના શરણે આ ચાતુર્માસ જ નહિ, પણ હવેનું આખું જીવન વહાવીએ, એમાં જ આપણો જવારો છે, અને એમાં જ આપણું કલ્યાણ છે.
(શ્રાવણ-૨૦૬૪)