________________
હવે ચાતુર્માસની ધર્મમોસમનો પ્રારંભ થશે. વિરાધનાથી બચવાના અને આરાધનામાં લાગી જવાના આ દિવસો છે. જીભને ગમે તેવું ખાવામાં અને મનને ગમે તેવું કરવામાં વિરાધનાની ઘણી શક્યતા છે. જ્યાં ત્યાગની વૃત્તિ નથી કેળવાતી, દયા કે જયણા પાળવાની અનુકૂળતા નથી જળવાતી, ત્યાં વિરાધના સિવાય ભાગ્યે જ કશુંક બચતું હોય છે.
ન ખાવા લાયક વસ્તુઓ ખાવી તે વિરાધના છે. ન પીવા લાયક પીણાં પીવામાં વિરાધના જ થતી હોય છે. ગમે તે, ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેટલું ખાવું-પીવું, એ આજના મનુષ્યનું ખાસ લક્ષણ બની રહ્યું છે. ખાવા-પીવાની બાબતમાં આજનો મનુષ્ય કદાચ કોઈ જ નિયંત્રણ કે બંધન સ્વીકારવા રાજી નથી. હાઈપર એસિડિટી, ડાયાબિટિસ, બી.પી.થી. માંડીને કોઢ, કીડની-પ્રોબ્લેમ, પથરી અને કેન્સર સુધીના તમામ શારીરિક ઉપદ્રવોનું મૂળ કારણ તે મનુષ્યની અનિયંત્રિત ખાઉધરાવૃત્તિ છે, એમ કહેવામાં અતિશક્યોક્તિ નથી લાગતી. આરોગ્યના લગભગ તમામ નિયમો, આરાધનાના નિયમો બની રહે તેવા છે. એટલે જો તમે આરાધનાના નિયમ લ્યો, પાળો, તો આપોઆપ આરોગ્યની કાળજી લેવાવાનું શરૂ થઈ જ જવાનું. એ રીતે જોતાં ધર્મશાસ્ત્ર અને આરોગ્ય વિજ્ઞાનની જુગલબંદી રચાય છે. એક પંથ ને દો કાજ! સુજ્ઞ વ્યક્તિ, માટે જ, આ દિવસોમાં આરાધનામાં લાગી જવાની, વિરાધના છોડી દેવાની.
આપણા આરોગ્ય સાથે વિજ્ઞાન, વૈજ્ઞાનિકો અને આપણા દેશની ભ્રષ્ટ રાજ્યસત્તા-સરકાર કેવાં ભયાનક ચેડાં અને અટકચાળાં કરે છે, તેની આંખ ઉઘાડી નાખે તેવી માહિતી આપતો એક લેખ આજે આ પત્ર સાથે મૂકેલ છે. કરોળિયા, વાંદા, વીંછી અને એવાં એવાં વિવિધ જંતુઓ તથા પ્રાણીઓનાં જીન્સ (જનીન) તેમના શરીરમાંથી કાઢીને તેનું પ્રત્યારોપણ આપણે ખાવાના પદાર્થોમાં કરવામાં આવશે. તે પદાર્થો બિયારણ બનશે અને ખેતરો – વાડીઓમાં તે વાવવામાં – ઉગાડવામાં આવશે. પછી તેના ફળરૂપે જે અનાજ વગેરે પદાર્થો ઉત્પન્ન થશે, તે આપણા દેશવાસી – આપણે સૌને ખવડાવવામાં આવશે. એક અર્થમાં આપણે એ હાઈબ્રીડ અનાજ | ફળોના રૂપમાં વીંછી, કરોળિયાને આરોગીશું અને આપણી જાણ બહાર આપણે ચાઈનીઝ લોકોની જેમ પ્રાણીભક્ષી અને માંસાહારી બની જઈશું.
ચાતુર્માસ
*
*
?