________________
સમય સરસર કરતો વહી રહ્યો છે. તે કોઈનીય રાહ જોવા થોભતો નથી અને કોઈનીય ગરજ રાખતો નથી. ઘણીવાર લાગે કે કાળના આ અગાધ અને વણથંભ્યા પ્રવાહમાં આપણે – આપણા જેવા અસંખ્ય જંતુઓ કેવા સતત તણાયે જાય છે ! ખરેખર તો એમ સમજવાનું છે કે કાળ નથી વહેતો, આપણે જ વહી રહ્યા છીએ, ના, તણાઈ રહ્યા છીએ.
આપણે મનમાંથી બધી જ વાતો કાઢીને શાંતિથી વિચારીએ કે આ સંસારમાં આપણે કેટલાં જન્મ-મરણ કર્યા ! જ્ઞાનીઓ કહે છે, અને આપણા ગળે પણ ઊતરે તેવું છે કે, આપણે અનંત અનંત અનંત જનમ મરણના ચક્કરમાંથી ગુજર્યા છીએ. અને આ વખતે પણ એ જ ક્રમમાં આવ્યા તેવા – ધોયેલા મૂળા જેવા – જવાના છીએ. આનો છેડો નથી લાવવો? ભગવાનને પ્રદક્ષિણા દેતાં આપણે બોલીએ છીએ...
કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર, તે ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર’
આનો અર્થ એટલો જ કે આજ લગી ભગવાનને ડાબા ઊતર્યા, અવળા ઊતર્યા, એટલે ભવભ્રમણ ચાલતું રહ્યું. હવે પ્રદક્ષિણા દઈને પ્રભુને જમણે ઊતરવાનું છે, પ્રભુથી સવળા જવાનું છે, તો ભવમાં ભટકવાનું મટે. કેવી સરસ અને અર્થસભર ક્રિયા છે !
પ્રભુ સમક્ષ સવળા ઊતરવા માટે શ્રાવકજીવન મળ્યું છે, તેમાં ચાતુર્માસની આરાધના ચાલે છે. તેમાંય હવે તો પર્યુષણા મહાપર્વની લોકોત્તર આત્મહિતકારી આરાધનાનો અવસર આવી પહોંચ્યો છે. જોજો, ક્યાંક એવું ન થાય કે કાળના વહેણમાં એક વધુ પજુસણ વહી જાય ! આરાધના આજે જ કરી લેવી. કાલ કોણે
દીઠી?
ક્રોધ છાંડજો. વૈષ હોય તેને ખાસ ખમાવજો. તપ સાથે મૌન અને ક્રિયા કરજો. અમારા તરફથી તમોને ભાવપૂર્વક મિચ્છા મિ દુક્કડં.
(ભાદરવો-૨૦૫૯)
પર્યુષણ