________________
પરમ પવિત્ર પર્યુષણ મહાપર્વના મંગલકારી દિવસો આવી રહ્યા છે. આ પત્ર તમારી પાસે પહોંચશે ત્યારે લગભગ તો તે શરૂ પણ થઈ ગયા હશે. એ વાત યાદ રાખવાની છે કે આ દિવસો આરાધના કરવાના તો છે જ. પરંતુ સાથે સાથે આ દિવસોમાં આપણે આપણી જાતને એવી તો કેળવી લેવાની છે કે આપણે પછી હંમેશ માટે સ્વસ્થ અને સ્વચ્છ જીવન જીવતાં થઈ જઈએ.
આ મહાપર્વ ક્ષમાપનાનું પર્વ ગણાય છે અને આપણાં જીવનની સૌથી મોટી તકલીફ “ગુસ્સો છે. વાતવાતમાં ક્રોધ કરીને, અકળાઈ જઈએ. ગમે તેને ગમે તેમ સંભળાવી દઈએ, કોઈ આપણને સારી કે સાચી વાત પણ કરે તો એનું મોં તોડી પાડીએ. આપણી સાવ ખોટી વાત કે વ્યવહારને પણ બીજા લોકો ચલાવી ન લે તો ક્લેશ પેદા કરી મૂકીએ- આમ અનેકવિધ રીતે આપણે સતત ક્રોધ કરતાં રહીએ છીએ. ક્રોધનું જનક પરિબળ “અહં છે. આપણો અહં (Ego) એટલો બધો તુચ્છ અને વામણો છે કે નાની નાની, નકામી વાતોમાં તે ઉશ્કેરાઈ જાય છે. અહિં ઉશ્કેરાય એટલે ક્રોધ આવે જ. અને આવો તુચ્છ અહં તો તોછડા, હલકા, શુદ્ર એવા માણસમાં જ હોઈ શકે. ઠાવકા, વિવેકી અને વ્યવહારુ મનુષ્યો તોછડા ન હોય, છીછરા ન હોય. વાતે વાતે તેમના અહંને ઠેસ વાગતી ન હોય અને તેથી તેઓ નજેવી વાતો હોય કે મોટી વાત હોય - ઉશ્કેરાય તો નહીં જ; ગમે તેમ બકવાસ તો ન જ કરે.
આ બધી વાતો નોંધવા પાછળનો હેતુ એક જ : પર્યુષણના આ પુનિત દિવસોમાં તમે જરાક વીતાવેલી જિંદગીમાં કરેલા ક્રોધ, અહં અને તોછડાઈનું સરવૈયું કાઢજો; તે બધાં થકી તમે શું પામ્યા ને શું ગુમાવ્યું તેનો હિસાબ મેળવજોઃ તમે તમારા સ્વભાવને બગાડવા સિવાય કાંઈ નહિ પામ્યા હો તે નક્કી. અને આવા ખતરનાક સ્વભાવને કારણે તમે અનેક સંબંધો બગાડ્યા હશે, ઘણાનો પ્રેમ-વિશ્વાસ ખોયો હશે, અને તમારી જાતને સાવ તુચ્છ અને અપમાનપાત્ર બનાવી જ હશે.
આ વખતે નક્કી કરજો, સંકલ્પ કરજો કે હવે મારા જીવનમાં ક્રોધને કોઈ સ્થાન નહિ હોય. ગમે તે, ગમે તેવું બગાડે, હેરાન કરે, તો પણ તેની જોડે પણ હું મીઠો ને હસતો વર્તાવ જ રાખીશ; ક્યાંય ક્યારેય કોઈ પર ક્રોધ નહિ કરું. ક્ષમા એ જ મારું જીવન હશે, શાંતિ એ જ મારો સ્વભાવ બનશે, અને પ્રેમ એ જ મારો વ્યવહાર હશે.
આ સંકલ્પ કર્યા પછી તમારું જીવન આનંદથી મઘમઘી ન ઊઠે તો તેની જવાબદારી મારી.
(ભાદરવો-૨૦૧૫)
પર્યુષણ