________________
આત્મસાધનાના આ પાવન દિવસો છે. આખાયે જગતમાં જ્યાં જુઓ ત્યાં દેહસાધના અને દેહવાસનાની જ માત્ર છોળો ઉછળી રહી છે, ત્યારે ભગવાન વીતરાગ પરમાત્માનું શાસન જ એકમાત્ર એવું છે, જે આત્મસાધના અને આત્મકલ્યાણની પુનિત પ્રેરણા સતત પાતું રહે છે.
એમાં પણ પર્વ પર્યુષણ એ તો કષાયત્યાગનું પનોતું પર્વ છે. ક્રોધને, અહંને, માયાને, લોભને, રાગ અને દ્વેષને, ઈર્ષ્યા અને ધૃણાને અને એવા એવા અગણિત લેશોને હૈયામાંથી ધોઈ નાખવાનું અને બાળીને ખાખ કરી નાખવાનું આ પવિત્ર પર્વ છે. ક્ષમા, સમતા અને ઉપશમભાવની દિવ્ય જ્યોતને હૃદયમાં પ્રજ્વલિત કરવાનું આ મહામૂલું પર્વ છે.
ક્રોધ જાગે ત્યારે સમતા ધરો. અહંકાર ઊગે ત્યારે મૂદુતા જાળવો. કપટવૃત્તિ પ્રગટે ત્યારે ઋજુતા-સરળતા દાખવો. લોભવૃત્તિ ઉછાળા મારે ત્યારે સંતોષને આગળ કરો. ધૃણા નહિ, કરુણા, હેમ નહિ, પ્રેમ; એ જ છે આ મહાપર્વનો સંદેશો.
જેની સાથે જાણી જોઈને અણબનાવ કર્યો હોય, જેને માટે અછાજતી વાતો કરી હોય, જેના પ્રત્યે કારણ વિના જ અદેખાઈ આચરી હોય, જેને અપશબ્દો સંભળાવ્યા હોય, જેમની સાથે એક યા બીજી રીતે છેતરપિંડી કરી હોય, આવા કોઈપણ કારણસર અન્યને દૂભવ્યા હોય, તે તમામ સાથે આ પર્યુષણમાં સાચા ભાવથી ખમતખામણાં કરજો.
શક્ય હોય તો પૌષધ અવશ્ય કરશો. સવાર-સાંજના પ્રતિક્રમણ ચૂકવાં જ નહિ. બને ત્યાં સુધી મૌન પાળવું. યથાશક્ય ઉપવાસ-એકાસણાં કરવાં. કલ્પસૂત્ર તથા બારસાસૂત્રના બધાં વ્યાખ્યાનો સાંભળવાનો આગ્રહ રાખવો. જિનપૂજા ફરજિયાત કરવી. આ બધું તમે કરશો જ એવી શ્રદ્ધા રાખું.
(ભાદરવો-૨૦૧૬)