________________
ચાતુર્માસની આરાધના સમય-સંયોગાનુસાર રૂડી રીતે ચાલી રહી છે. શક્ય તપ-ત્યાગ અને ધર્મક્રિયાઓ અહીં અને સર્વત્ર પ્રવર્તમાન છે. તમારે ત્યાં પણ આ બધું ચાલુ જ હશે. ચોમાસા દરમિયાન કાંઈને કાંઈ નિયમો ને વ્રતોનું પાલન સહુ કરતાં જ હશો. વ્રત-નિયમોનું શકય પાલન આપણાં મનને અને જીવનને સ્વયં-અંકુશિત બનાવે છે તો સાથે સાથે ધર્મના અને આરોગ્યના ઘણા બધાં લાભો પણ તે વડે મેળવી શકાય છે. આ મોસમમાં વ્રત-નિયમ-પાલન અને તેનાથી થતા લાભોને ચૂકે તે નક્કી ઋતુજન્ય રોગચાળામાં, દવાઓ અને દવાખાનામાં તથા ખર્ચના ચક્કરમાં સપડાવાનો જ. આ વર્ષાકાળમાં જેમ સંયમનિયમ વધુ તેમ માંદગી અને તેની પાછળની બીજી વિધવિધ જફાઓમાંથી આપણો વધુ ઉગારો.
આરાધનાની મોસમના સર્વશ્રેષ્ઠ દિવસો હવે આવી રહ્યા છે. એ મંગલ દિવસોનું નામ છે પર્યુષણ મહાપર્વ.
પર્યુષણ એટલે પુણ્યનું પોષણ. પર્યુષણ એટલે પાપનું શોષણ.
બાર બાર મહિનાથી અથાકપણે ચાલતી બધી જ પ્રવૃત્તિઓ આપણા જીવનને પાપ ભણી જ ઘસડી જનારી હોય છે. આપણી એક વાત તો એવી શોધો કે જેમાં પાપ ન હોય અને માત્ર પુણ્ય જ હોય ? એક પણ નહિ જડે. વળી, પળે પળે આપણું મન કષાયો થકી ખરડાતું જ રહે છે. બાર માસના લેખાં લઈએ તો અહંકાર, ક્રોધ અને વેરઝેર, નફરત, કિન્નાખોરી, અદેખાઈના બંડલોનાં બંડલ એકઠાં કર્યા હોવાનું અવશ્ય જણાઈ આવશે. માણસ બધે ગમે તેવો હોય, ભલે પણ જાત સમક્ષ જો તે પ્રમાણિક નીવડે તો તેને આ ગંદાં બંડલો દેખાયા વિના નહિ રહે.
કષાયોનાં અને વાસનાનાં આ બંડલોને ચોમાસામાં થયેલ આરાધનાના જોરદાર વરસાદને કારણે આવેલા સમજણના પૂર-પ્રવાહમાં વિસર્જન કરી મૂકવાનાં છે. એ વિસર્જનનો સુઅવસર તે જ પર્યુષણ.
ક્યાંક ગણપતિનું વિસર્જન થશે, થોડા દહાડા પછી વળી ગરબાનું વિસર્જન થશે, આપણે વૈરભાવનાનું અને કષાયોનું વિસર્જન કરવાનું છે. , પર્યુષણના આ દિવસોમાં પૌષધ, પ્રતિક્રમણ, ધર્મશ્રવણ, કલ્પસૂત્ર-શ્રવણ,
પર્યુષણ