________________
મિત્રો સાથે શાસ્ત્રોના વાંચેલા - સાંભળેલા ભાવો વિષે ચર્ચા પણ કરી શકાય. ટૂંકમાં, સ્વાધ્યાય માટે અનેક અનેક વિધાઓ છે. જેને જે માફક આવે તે રીતે તે કરે.પણ ૨૪ કલાકમાં એક સામાયિક જેટલો કે એકાદ કલાક જેટલો સમય સ્વાધ્યાય માટે અવશ્ય સહુ કોઈ ગુજારે, એ જ આ ચાતુર્માસનું ભાથું છે.
જૈન શાસ્ત્રોમાં સ્વાધ્યાયને “તપ” નો દરજ્જો આપવામાં આવ્યો છે. જે કરવાથી નવાં પાપ અને કર્મ બંધાતાં રોકાય, અને જૂનાં પાપો નાબૂદ થાય તેનું નામ “તપ”. સ્વાધ્યાયથી આ બન્ને બાબતો સધાય છે. ઉપનિષદકારોએ પણ ફરમાવ્યું છે કે “સ્વાધ્યાય કરવામાં પ્રમાદ ન કરવો.' સ્વાધ્યાય કરવાથી ઉંઘ, પ્રમાદ અને આળસ ઘટી જાય છે, એ સ્વાધ્યાયનો એક મહત્ત્વપૂર્ણ આડલાભ છે.
મારી સાદી સમજ એવી છે કે બીજું કાંઈ પણ શરીરસાધ્ય ધર્મકાર્ય કરવાનું જેને અઘરું લાગતું હોય કે ફાવતું ન હોય, તેવી વ્યક્તિ સામાયિક અને સ્વાધ્યાય જરાય તકલીફ વિના જરૂર કરી શકે તેમ છે. એક ટકો પણ રોકાણ વિના લાખોના લાભ જેવી આ વાત પણ જો આપણને ન રુચે, ન પાલવે તો તે આપણાં દુર્ભાગ્ય જ ગણાય. આપણે આવા દુર્ભાગ્યથી બચવાનો ઉદ્યમ કરીએ.
(અષાઢ-૨૦૬૩)