________________
વ્યાપક આપત્તિના નિવારણ માટે વ્યાપક પ્રાર્થના થવી જોઈએ. જો આપત્તિ સામૂહિક હોય તો તેની સામે પ્રાર્થના પણ સામૂહિક હોય તે જરૂરી છે. “હું એક પ્રાર્થના કરું કે ન કરું, શો ફરક પડવાનો છે?' આવો અભિગમ ન રાખવો જોઈએ. ઘણીવાર એક વ્યકિતની સંપત્તિથી પણ અનેક જીવોનું દારિદ્ર ફેટે છે. એમ એકાદ સાચુકલા હૈયાની પ્રાર્થના પણ અનેક લોકોની કે પછી આખા રાજ્યની – સમાજની આપત્તિ શમાવવામાં કામયાબ નીવડી શકે છે.
પોતાનું બળ ઓછું હોઈ શકે, પણ પોતાની પ્રભુ પ્રત્યે થતી સાચા હૃદયની પ્રાર્થનાનું બળ કદીય ઓછું આંકવું નહિ જ. આપણે ભલે અલ્પ, સીમિત અને સામાન્ય હોઈએ, પણ પ્રભુ પરમાત્મા પ્રત્યેની આપણી પ્રાર્થનામાં જો હૃદયની સચ્ચાઈ પણ ભળે તો તે આપણી પ્રાર્થના પણ મહાન, અસીમ અને અસામાન્ય પરિણામ લાવી આપનારી બની રહે, એમાં સંદેહ નથી.
કોઈ પણ ક્રિયા, જો તેમાં કલ્યાણમયી પ્રાર્થના ભળે તો, આપોઆપ આરાધના બની જાય છે. આપણું આ ચાતુર્માસ આવી સરસ આરાધનાઓથી સભર બની રહો!
(શ્રાવણ-૨૦૬૧)