________________
તેને માટે તો અવશ્ય “તેનું કલ્યાણ થાય તેવી ભાવના ભાવવી, અને તેનું ભલું કરવાની એક પણ તક ન છોડવી.
૩. જીવમાત્ર કે માણસમાત્ર કર્મને આધીન છે. તેનાં અશુભ કર્મો જ તેના હાથે અશુભ કરાવે છે. આપણે તો તેનાં અશુભ કર્મો દ્વારા થતા તેના અશુભથી તે ઉગરી જાય અને તેનું કલ્યાણ થાય તેવી ભાવના માટે જ હકદાર છીએ, એવી ભાવના કેળવવી અને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી, એમાં જ આપણી પણ ધર્મસાધના ગણાય. સામો વિરાધક બન્યો માટે આપણે પણ વિરાધક બનવું - એ વાત બરાબર નથી. આપણે તો આરાધક જ બનીએ, અને સામાને પણ વિરાધના થકી બચાવી આરાધક બનવા પ્રેરીએ, એ જ રસ્તો કે રીતે આપણે માટે આ જિનશાસનની આરાધનાની છે.
આવી અનેક વાતો આ વખતે બની, અનુભવાઈ, કહેવાઈ, એમાંથી થોડાક અંશો તમને સૌને પણ આ વહેંચ્યા.
આપણે બધા લેવાદેવા વગરની વિરાધના અનેક રૂપે ને અનેક રીતે કર્યા જ કરીએ છીએ. એમાં બીજાનું તો બગાડીએ જ, પણ તે કરતાં અધિક આપણે આપણું પોતાનું બગાડીએ તથા ગુમાવીએ છીએ, એ વાત આપણાં ધ્યાનમાં આવતી નથી. ભગવાનના શાસનને પામ્યા પછી આ બાબત ધ્યાન પર આવે તો પછી બીજાનું સુધરે કે નહિ, પણ પોતાનું તો અવશ્ય સુધરી જાય છે.
આપણે સંકલ્પ કરીએ કે અમારે અમારું સુધારવું જ છે, અને મહાપુણ્ય મળેલા જિનશાસનને રૂડી રીતે આરાધી લેવું જ છે.
(પ્ર.શ્રાવણ-૨૦૬૦)