________________
૪૫
જિનશાસનની આરાધના કરવાનો એક મોટામાં મોટો અને પ્રત્યક્ષ લાભ એ છે કે, આરાધનાના માધ્યમથી આપણને આપણી અશક્તિનું, આપણા દોષોનું તથા દુર્ગુણોનું ભાન થઈ શકે છે. “આરાધના' નો અર્થ જેમ જેમ સમજાતો જાય, તેમ તેમ આપણી ભૂલો તેમ જ દોષોનો આપણને ખ્યાલ પણ આવતો જાય છે અને તે પછી તે બધું ઘટે કે દૂર થાય તે દિશામાં ઉદ્યમ પણ ચાલુ થાય છે. આરાધના કરવાનો આ લાભ જેવો તેવો તો નથી જ.
આરાધના એટલે ગુણોનો વિકાસ અને અવગુણોનો હાસ. વિરાધના એટલે દોષોની વૃદ્ધિ અને ગુણોની હાનિ.
જિનશાસન નહોતું મળ્યું તથા મળ્યા પછીયે નહોતું ગમ્યું અથવા તો નહોતું સમજાયું, ત્યાં સુધી તો વિરાધના જ કર્યા કરી છે, અને દોષો જ વધારતા રહ્યા છીએ. પરંતુ હવે જયારે શાસન મળ્યું હોવા ઉપરાંત ગમવા પણ લાગ્યું છે તો આપણે આપણામાં ભરેલા અગણિત દોષોના ઉકરડાને ઉલેચવાને માટે સજાગ થઈ મહેનત કરવી જ પડે, અને આપણા ગુણોને વિકસાવવા જ પડે.
એક વાત નિઃશંક સમજી તથા સ્વીકારી લેવી જ પડે કે હું પોતે ઘણા ઘણા - અઢળક-દોષો અને દુર્ગુણોનો ભંડાર છું. આપણે સહુ માત્ર દોષસેવન અને દુર્ગુણસાધનાના જ વ્યસની છીએ. ન જાણે, આપણે આ જીવનમાં કેટકેટલાય દોષો સેવ્યા હશે, પાળ્યા હશે, વધાર્યા હશે, અને એમાં ભારે મોજ તથા આનંદ અનુભવ્યા હશે. જાણી જોઈને કે અજાણપણે, અનિચ્છાએ કે મોટાભાગે સ્વેચ્છાએ જ, કર્મવશ, મોહાધીન બનીને, હિત ને અહિતનું ભાન ભૂલીને, યોગ્ય-અયોગ્યનો વિવેક ચૂકીને, આપણે કેટકેટલા અનર્થો આચર્યા હોય છે. કષ્ટ હોય તો એટલું જ કે આપણને મહામૂલું જિનશાસન મળ્યા પછીયે આપણે આપણા જ આત્માનું તથા જીવનનું અશુભ થાય તેવા અનર્થો તથા તેની વિરાધનાનું આચરણ કર્યું છે. આ વિરાધનાને લીધે આપણે કર્મો પણ નિશ્ચિતપણે અનર્ગળ બાંધ્યાં જ હશે. એ કર્મો આપણને ભવભ્રમણ કરાવી શકે, દુર્ગતિમાં ધકેલી શકે, ભવાંતરમાં શાસનથી વિમુખ-વંચિત પણ રાખી શકે.
કદર્થના તો એ છે કે આપણે દરેક આ કે તે દોષો સેવીને વિરાધના કરી જ છે, છતાં આપણે આપણી તરફ જોવાનું ટાળી દઈએ છીએ, અને કોઈ અન્યની ભૂલ, દોષો કે ખામીઓ ભણી જ નજર માંડીને અન્યના દોષોને જ ગાઈએ છીએ, જાહેર કરીએ છીએ, તથા તે વિશે ગમે તેવી વાત વિચારીએ અને બોલીએ છીએ. પર;