________________
કાંઈ જ છે નહિ એવી ભ્રમણામાં જ જે રાચતા હોય અને તે કારણે બીજાઓમાં જ જેને આ બધાં અનિષ્ટો દેખાયા કરતાં હોય, તેવા મનુષ્યને આવી શિખામણ લાગુ પાડવાની મથામણ કરવી તે પણ મૂર્ખતા ગણાશે.
મનુષ્યજીવન, જિનશાસન, ધર્મની આછી પાતળી પણ સમજ, ગુરુ વગેરેનો સત્સંગ અને ઓછેવત્તે અંશે પણ આત્મકલ્યાણ કરવાની ભાવના – આટલી વાતો જેને ખરેખર મળી હોય, અથવા “મને મળી છે” એવું જેને લાગતું હોય, તેવા જણે, આ શિખામણ પર પોતાનામાં હોય તેટલી ગંભીરતાથી વિચાર કરવો.
આમાનું કાંઈ જ મારામાં નથી' એવી ભ્રમણામાં કેટલાક જીવતા હોય છે. અને “તમારામાં તો આવું હોય જ નહિ' - એવી ખુશામત કરનારા પણ તેવાને મળી જ રહે છે. આ બધાંથી બચી શકે, સાવધાન રહી શકે, તેવી વ્યક્તિમાં જ સમતા અને વિવેકનો આછોપાતળો પણ ઉદય થવાની શક્યતા ગણાય. આ ચોમાસામાં આપણે આપણા માંહ્યલા સાથે ભરપૂર સંઘર્ષ ખેલીએ અને આપણામાં ભર્યા પહેલાં પેલા અનિષ્ટોને ખોતરી ખોતરીને ફગાવવા માંડીએ. અને દુનિયાની નજરે ભોટ, ગમાર કે મૂર્ખ ઠરવાનું આવે તો તેનો સ્વીકાર કરીને પણ આપણી જાત સામે સ્વસ્થ – સ્વચ્છ પુરવાર થતાં જઈને સમતામય અને વિવેકસંપન્ન સ્વભાવના સ્વામી બનવાની દિશામાં આગેકદમ ભરીએ. તો જ ક્ષણભંગુર જીવન, વિષમ કાળ અને નબળા જીવદળનો પણ ખરો કસ કાઢી લેનારા ગણાઈશું.
ફરીવાર, ધર્મક્રિયા વિવેકમાં છે, સમતામાં છે. જે કરવાથી વિવેક ખીલે અને સમતા નિખરે, તે જ ખરો ધર્મ છે; અને તેવો ધર્મ સાધના બની રહેશે, તે નક્કી માનજો. આપણે બધા આ અર્થમાં ધર્મપરાયણ બનીએ એવી મંગલ કામના સાથે...
(શ્રાવણ-૨૦૧૮)