________________
સૂત્રવાંચન એ ચાતુર્માસમાં મળતો એક વિશિષ્ટ લાભ છે. ચાતુર્માસ સિવાય આ લાભ નહિ મળે. માટે તે લાભ લેવાનું ચૂકતા નહિ. સૂત્રવાંચન થાય, તેનું શ્રવણ કરવું, તે શ્રુતસામાયિક ગણાય છે. એકચિત્તે ગુરુ તથા સૂત્ર પ્રત્યે પૂર્ણ બહુમાન કેળવીને સાંભળવાની ટેવ પાડશો તો જિનશાસનના અનેક વિશિષ્ટ પદાર્થોને તથા વાતોને આત્મસાત્ કરી શકશો. તપના બાર ભેદમાં શ્રવણને પણ (ધર્મકથા) તપ ગણવામાં આવે છે. એ જ્ઞાનીઓની યોજના પણ આપણા માટે ખૂબ ખૂબ કલ્યાણકારી બની રહે તેવી છે.
આ ઉપરાંત, બીજી પણ તપશ્ચર્યાની, જાપની, પ્રતિક્રમણ, પૌષધની, સ્વાધ્યાય તેમજ અધ્યયનની આરાધનામાં જોડાતા હશો જ. અવશ્ય જોડાવું જ. તન-મનથી તપ-જપ કરશો. અને શક્તિ અનુસાર છતાં શક્તિ ગોપવ્યા વિના ધન ખરચીને પણ શક્ય ધર્માનુષ્ઠાનો અવશ્ય કરજો. પ્રમાદ ઓછો સેવજો.
ધર્મ બે રીતે થઈ શકે છે. ૧. જાત ખરચીને થાય. ૨. ધન ખરચીને થાય. તમે બધાં આ બેય પ્રકારે ધર્મની આરાધના કરશો જ, તેવી અપેક્ષા છે.
જાત ખરચશો તો પ્રમાદ અને બીજાં ઘણાં પાપોથી ને દોષોથી બચી શકાશે. ધન ખરચશો તો, અઢાર અઢાર પાપસ્થાનક સેવીને ભેગું કરેલું ધન સત્કાર્યમાં વાપરવાનો લાભ મળવા ઉપરાંત પુણ્યબંધ થશે.
કોઈપણ ઉપાયે, આરાધક બનીને, આપણને મળેલો મોંઘેરો માનવજન્મ સફળ કરવાનું લક્ષ્ય કેળવજો.
(શ્રાવણ-૨૦૧૬)