________________
હજી પણ એ ઉપકાર-ધારા ચાલુ જ રહે તેવી વૃત્તિથી ભગવાનની ભક્તિના નવા નવા પણ ભાવભર્યા પ્રયોગો, સાધુ-સાધ્વીભગવંતોની સુપાત્રદાન તથા અન્ય દરેક પ્રકારે ભક્તિ, તપસ્વી સાધર્મિકોની વૈયાવચ્ચ, ધર્મ, ધર્મનાં સ્થાનો, ધર્મના આરાધકો, ધર્મગુરુઓ, ધર્મક્રિયાઓ – આ બધાંની નિંદા બોલવાથી, સાંભળવાથી દૂર રહેવાની ચીવટ, કોઈનું પણ સત્કર્મ જોઈએ-જાણીએ કે તરત તેની શુદ્ધ ભાવે અનુમોદના, ધર્મના અવસરોમાં અને ધર્મસ્થાનોમાં કોઈપણ પ્રકારના ક્લેશકષાય-ઝઘડા-નિંદા-ટીકા અને પંચાતથી તથા તેનાં કારણોથી બચવું, ગુરુમુખે સાંભળેલા ઉપદેશને જીવનમાં – આચરણમાં ઊતરવાની જાગૃતિ, આ તથા આવાં અનેકવિધ શુભ કાર્યો ધર્મના રાગી એવા દરેક આત્માએ આરાધનાની આ મોસમમાં કરવાં જ જોઈએ.
જેઓ ગુરુનિશ્રા મેળવવા નસીબવંતા છે તેઓ આ બધું અવશ્ય કરે, અને જેઓને આવી કોઈ નિશ્રા મળી ન હોય તેઓ પણ આ બધું જ – ધારે તો – કરી તો અવશ્ય શકે. ધર્મ કરતાં કોઈ ક્યારેય કોઈને રોકી શકતું નથી. ગુનિશ્રા કોઈવાર ન મળી, પણ ધર્મ તો આપણને હાથવગો છે જ, તેની આરાધના કરીએ, અને એક એવું આત્મબળ સર્જીએ કે જેના લીધે કદાપિ નિશ્રાથી વંચિત રહેવું જ ન પડે.
આરાધના જ જીવનનો સાર છે. આરાધના જ પાપોદય-વેળાએ બચાવશે. માટે સહુ આરાધક બનજો એવી શુભેચ્છા.
(શ્રાવણ-૨૦૫૪)