________________
અને એમના તપ – ત્યાગ - સાધનાના અમોધ બળ વડે તેમણે આ શાસનને સેવ્યું છે, આરાધ્યું છે અને આપણી આજ સુધરે તે રીતે તેની રક્ષા પણ કરી છે.
આપણે શાસનની બલિહારી અવશ્ય ગાઈશું, પણ સાથે જ એ શાસનને આપણા સુધી લઈ આવનારા આ શ્રીશ્રમણસંઘના પણ ઓવારણાં લઈશું.
શાસનના સંસ્થાપક ભલે તીર્થંકરદેવ હોય, પણ એ શાસનને યુગયુગાંતરો સુધી અસંખ્ય આત્માઓ સુધી પહોંચાડવાનું અને એ શાસનની જ્યોતને અવિચ્છિન્નપણે જાગતી-જળહળતી રાખવાનું પવિત્રતમ કાર્ય તો શ્રમણસંઘ જ કરી શકે.
તીર્થંકર સ્વયં કૃતકૃત્ય હોવા છતાં, કેવળજ્ઞાન પામ્યા પછી, શ્રીશ્રમણસંઘની સ્થાપના કરે તેનું રહસ્ય પણ આજ કે મારી (અરિહંતની) અનુપસ્થિતિમાં પણ સંસારમાં વર્તતા આત્માઓનું શ્રમણ સંઘના માધ્યમથી કલ્યાણ થાય. આ સિવાય તીર્થંકરને શાસન કે સંઘની સ્થાપના કરવાનું કોઈ વિશેષ પ્રયોજન હોતું નથી.
જિનપ્રણીત આ શ્રીસંઘનું પ્રધાન અંગ છે શ્રમણ ભગવંતો. ગણધરો પણ મૂલતઃ તો શ્રમણો જ છે. એમનાથી પ્રવર્તેલી ગુરુ-શિષ્યની પરંપરા તે જિનશાસનની જગતજુદી અને જગતવિખ્યાત શ્રમણ પરંપરા. આ શ્રમણ પરંપરા અઢી હજાર વર્ષોથી અખંડપણે ચાલી રહી છે. અને જિનશાસનની પ્રભાવના, આરાધના તેમ જ રક્ષા કરી રહી છે. કલ્પના કરીએ કે જો પરમાત્માએ શ્રમણ પરંપરા ન પ્રવર્તાવી હોત તો? તો કહી શકાય કે આજે જિનશાસન તથા જૈન સંઘનું અસ્તિત્વ અથવા તો આ પ્રકારનું તેનું સ્વરૂપ ભાગ્યે જ જોવા મળતું હોત.
આપણી પાસે આગમો જળવાયાં છે, તીર્થો સચવાયાં છે, ધર્મ અને તેની સાધનાના વિધવિધ અંગો અદ્યાવિધ જીવંત છે, તે આ શ્રમણ પરંપરાને જ આભારી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી થતી. અસંખ્ય જીવો જિનમંદિરોની તથા જિનબિંબોની આરાધના કરીને બોધિબીજ મેળવે કે નિર્મળ બનાવે તેની પાછળ; અને અનેક આત્માઓ જિન પ્રવચન સ્વરૂપ આગમાદિ ગ્રંથોના અધ્યયન-શ્રવણાદિ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાની દિશામાં આગે કદમ માંડે તેની પાછળ, આ શ્રમણ પરંપરાનું જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે તે પણ નિઃસંદેહ છે. શ્રમણો ન હોય તો કદાચ આ બધું આ સ્વરૂપે ન હોત.
અને આનંદદાયક બીના એ છે કે શ્રમણોની આ યશોજ્જ્વલ પરંપરા હજી સાડા અઢાર હજાર વર્ષો લગી અખંડપણે પ્રવર્તવાની છે, અને દુપ્પસહસૂરિ મહારાજ થશે ત્યાં સુધી નિરંતર અસંખ્ય જીવોનો આત્મોદ્ધાર કરતી રહેવાની છે.
ધાર્મિક