________________
હવે થોડા જ દિવસમાં ચોમાસું શરૂ થવામાં છે. સરસ રીતે ધર્મ આરાધનામાં મચી પડવાની એ મજાની મોસમ ગણાય. તપશ્ચર્યા, ધર્મક્રિયા, જાપ, ભક્તિ, ધર્મશ્રવણ, સદ્વાંચન તથા સત્સંગ જેવાં સુગમ અનુષ્ઠાન કરવાનું મન વધારજો. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ, “જે જે રાત પસાર થાય છે તે ક્યારેય પાછી ફરવાની નથી.' નાનકડી જિંદગીના થોડાક દિવસો, તેમાં પણ જે જરાતરા સમય મળી શકે તે સમયમાં શક્ય ધર્મકરણી કરી લેવામાં જ ભવની સફળતા જાણવી.
કાંઈ સારું કે “ધર્મ ગણાવાય તેનું નહીં કરીએ, તો પણ જિંદગી તો પૂરી થવાની જ છે. પરભવમાં ભરોસો ન હોય તેની પણ જિંદગી સમાપ્ત થવાની છે, અને ભરોસો રાખનારની પણ પૂરી થવાની છે. ફરક એટલો કે જેને પરભવમાં ભરોસો છે, તે મર્યા પછી કદાચ ખોટો પડે અને પરભવ જેવું કશું ન નીકળે, તો પણ તેને કશું જ નુકસાન નથી. કેમકે તેણે નુકસાન થાય એવું ખોટું કામ કર્યું જ નથી. અને જેને પરભવમાં ભરોસો નથી, તેણે તો જીવનભર લહેર કરી હોય, સારું કે ધર્મનું તો કોઈ કામ ન જ કર્યું હોય ! એના મૃત્યુ પછી જો કદાચ પરભવ નીકળી પડ્યો તો ? તો એની શી હાલત થવાની? આટલું વિચારી શકાય તો પણ ખોટાં કામ કરતાં અટકી જઈએ અને સારા અને ધર્મનાં કાર્યો કરવા માંડીએ.
આવી ધાર્મિક વાતો આપણને કોણ સમજાવે? સાધુભગવંતો જ સમજાવી શકે. એટલે જ જીવનમાં સત્સંગની તાતી જરૂર છે. સત્સંગીને સારૂં શીખવા મળે
સાધુસમાગમથી ઘણા બે કારણોસર ડરે છે. ૧. મહારાજ કાંઈ બાધા આપી દેશે તો?, ૨. મહારાજ કાંઈ કામ બતાડી દેશે તો?
આ ભય કેટલાક દાખલામાં વાજબી પણ હોઈ શકે. પરંતુ આનાં નિરાકરણ કાંઈ બહુ અઘરાં નથી. આનું નિરાકરણ બહુ સહેલાઈથી થઈ શકે.
જરા પણ અવિનય કે ઉછાંછળાપણું ન લાગે તે રીતે મહારાજજીને બહુમાનપૂર્વક ના કહી શકાય કે મારાથી હાલમાં આ નિયમ/પ્રતિજ્ઞા પાળી શકાય તેમ નથી, એ માટેના ભાવ કે માનસિક તૈયારી નથી. અને, આપે બતાવેલું કામ કરવાજોગ જ હોય, પરંતુ હાલમાં મારી શક્તિ તથા ભાવનાની અનુકૂળતા ઓછી હોવાથી હું લાભ નહિ લઈ શકું, તો ક્ષમા કરજો.
ચાતુર્માસ