________________
ગણાય જ નહિ. કોઈને છેતરીને, ચૂસીને પેદા કરેલું ધન સ્વદ્રવ્ય શેનું વળી?
જે ધનમાં બીજાને છેતર્યાની, શોષણ કર્યાની, લૂંટ્યાની, ચૂસ્યાની બદબૂ ભરેલી હોય તે ધન પોતે કમાયેલું હોય તો પણ સ્વદ્રવ્ય ન ગણાય. તે તો અનીતિનું – અણહક્કનું, કોઈના લોહી-આંસુથી ખરડાયેલું પરદ્રવ્ય જ ગણાય. અને તેવા ધન થકી ધર્મકૃત્ય કરવા જાય – કરે, તો તેમાં તેને વખાણીને છાપરે ચડાવવા જેટલી અને અન્યોને તેનાથી હલકા ઠેરવી દેવા જેટલી ઉતાવળ કરવામાં આપણી ક્ષુદ્રતા તથા આપણા અજ્ઞાનનું જ પ્રદર્શન થતું હોય છે.
હમણાં વિહાર દરમિયાન જ, એક ગામમાં એક જૂનો શિલાલેખ વાંચવામાં આવ્યો. તેમાં જે શ્રાવકે ધનવ્યય દ્વારા દેરાસર કરાવેલું તેના વર્ણનમાં લખેલું કે ન્યાયથી ઉપાર્જન કરેલા ધનનો સદુપયોગ કરીને આ કામ કર્યું છે.'
સ્વદ્રવ્યની પ્રતિષ્ઠાના આવેશમાં ન્યાયદ્રવ્યનો મુદ્દો આપણે ત્યાં સાવ જ ચૂકાઈ ગયો છે. એથી બન્યું છે એવું કે કોઠાકબાડા કરીને એકઠા કરેલા ધન વડે સારું કામ (ધર્મકાર્યો કરવામાં તો આવે છે, પણ એ કામ પત્યા પછી જેવા તેની જવાબદારીમાંથી મોકળા થાય કે તરત જ બમણા વેગથી એ લોકો કોઠાકબાડા કરવામાં મચી પડે છે. કેમ કે આવેગમાં, આવેશમાં,વટ મારવામાં, ધારવા કરતાં વધારે પડતા પૈસા વપરાઈ ગયા, અને એ બધા હવે ઊભા તો કરવા જ પડે ને? આમાં વાપરવામાંય અન્યાયનું દ્રવ્ય અને ઉપાર્જન કરવામાંય અન્યાયનું જ દ્રવ્ય! આપણે એને હરામનું દ્રવ્ય કહી શકીએ! આમાં “સ્વદ્રવ્યનો આગ્રહ જરૂર સચવાયો, પણ ન્યાયદ્રવ્ય માટેની શાસ્ત્ર-મર્યાદાનું નિકંદન નીકળી ગયું તેનું શું? તેનો જાણે કે કોઈને વિચાર જ નથી રહ્યો.
જો ન્યાયદ્રવ્યનો આદર્શ પળાય અને આગ્રહ રખાય તો ઘણાં ઘણાં અનર્થો તથા અનિષ્ટો જે ધર્મક્ષેત્રમાં પેસી ગયેલાં જોવા મળે છે. તે આપોઆપ અટકી જાય કાં ઘટી જાય; ઘણી બધી સ્વચ્છંદ પ્રવૃત્તિઓ આપમેળે બંધ પડી જાય અને સંઘ-શાસનની મર્યાદાઓનું ઉચિત પાલન થાય; ઘણાં અનાવશ્યક પ્રયોજનો ધર્મના નામે ચાલતાં જોવા મળે છે તેના પર રોક લાગી જ જાય.
આપણા વૃદ્ધ-વડીલ આચાર્ય ભગવંતો આ બાબતમાં અતિશય જાગૃત હતા. કોઈ શ્રાવક ઉપધાન કરાવે, સંઘ કાઢે, તો તે વખતે તેને તેઓ પ્રતિજ્ઞા કરાવતા કે આ કામ પૂર્ણ થયા પછી છ માસ સુધી તમારે ધંધો નહિ કરવાનો, દુકાને નહિ જવાનું. કેમ? તો આટલો મોટો ખર્ચ કર્યા પછી મનમાં કદીક પણ એમ થઈ આવે કે, લાવ, ધંધો કરી નાખું ને ખર્ચો થયો છે તે ઉપાર્જન કરી લઉં;